“તે હંમેશા અમારી વચ્ચે જીવંત રહેશે”
પ્રખ્યાત ગાયિકા Asha Bhosleના અંતિમ સંસ્કાર દરમિયાન તેમની પૌત્રી Zanai Bhosle ખૂબ જ ભાવુક બની ગઈ હતી. ઝનાઈએ જણાવ્યું કે દાદીના વિયોગે તેમને અંદરથી હચમચાવી નાખી છે, પરંતુ તેઓ માનેછે કે આશા ભોસલે પોતાના ગીતો અને યાદોમાં હંમેશા જીવંત રહેશે. ઝનાઈ ભોસલે અંતિમ સંસ્કાર દરમિયાન રડી પડી હતી અને પરિવારજનો તેમજ ફિલ્મ જગતના લોકો તેમની પાસે સાંત્વના આપવા પહોંચ્યા હતા. ઘણા સેલિબ્રિટીઝે પણ તેમને આ મુશ્કેલ સમયમાં ધીરજ આપવાનો પ્રયાસ કર્યો હતો. આશા ભોસલેના અવસાનથી સમગ્ર સંગીત જગતમાં શોકનું માહોલ છવાઈ ગયો છે.
ઝનાઈએ પોતાના ભાવ વ્યક્ત કરતાં જણાવ્યું કે દાદી માત્ર પરિવાર માટે નહીં, પરંતુ કરોડો ચાહકો માટે પ્રેરણા અને પ્રેમનું પ્રતિક હતી. તેમણે કહ્યું કે “દાદીનું સંગીત અને તેમનો આશીર્વાદ હંમેશા અમારા સાથે રહેશે,” અને આ યાદો જ તેમને આગળ વધવા માટે શક્તિ આપશે. આશા ભોસલેનું 12 એપ્રિલ 2026ના રોજ મુંબઈમાં 92 વર્ષની વયે નિધન થયું હતું. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી છાતીના ઈન્ફેક્શન અને ભારે થાકને કારણે હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા, ત્યારબાદ મલ્ટી, ઓર્ગન ફેલ્યરથી તેમનું અવસાન થયું હતું.
13 એપ્રિલે મુંબઈના શિવાજી પાર્ક ખાતે રાજ્ય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં ચાહકો અને ફિલ્મ તથા સંગીત જગતના દિગ્ગજ લોકો ઉપસ્થિત રહ્યા હતા. ઝનાઈ ભોસલે માટે આ ક્ષણ ખૂબ જ કઠિન હતી. તેમણે જણાવ્યું કે દાદી માત્ર એક મહાન ગાયિકા નહોતી, પરંતુ પરિવાર માટે પ્રેમ, માર્ગદર્શન અને પ્રેરણાનું કેન્દ્ર હતી. “તે આજે પણ અમારી વચ્ચે જીવંત છે,” એમ કહી ઝનાઈએ દાદી પ્રત્યેની લાગણીઓ વ્યક્ત કરી હતી.
આશા ભોસલેનો સંગીત સફર આઠ દાયકાથી વધુ સમય સુધી ચાલ્યો હતો અને તેમણે હજારો ગીતો દ્વારા ભારતીય સંગીતને વિશ્વભરમાં ઓળખ અપાવી હતી. તેમના અવસાનથી ભારતીય સંગીત જગતમાં એક યુગનો અંત આવ્યો છે.