IPL 2026ના મહત્વપૂર્ણ મુકાબલામાં Chennai Super Kingsએ Delhi Capitals સામે 23 રનથી શાનદાર જીત મેળવી અને ટૂર્નામેન્ટમાં પોતાની પ્રથમ જીત નોંધાવી. આ જીતમાં સંજુ સેમસનની યાદગાર સદી અને જેમિ ઓવર્ટનની અસરકારક બોલિંગ નિર્ણાયક સાબિત થઈ.
ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલા આ મુકાબલામાં ટોસ જીત્યા બાદ દિલ્હી કેપિટલ્સે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા CSKએ 20 ઓવરમાં 2 વિકેટે 212 રનનો મજબૂત સ્કોર ઉભો કર્યો હતો. ટીમ તરફથી સંજુ સેમસને 56 બોલમાં અણનમ 115 રનની તોફાની ઇનિંગ્સ રમી, જેમાં 15 ચોગ્ગા અને 4 છગ્ગા સામેલ હતા. આ તેમની CSK તરફથી પહેલી સદી પણ રહી.
સેમસનને આયુષ મહાત્રેએ સારો સાથ આપ્યો હતો. તેમણે 59 રનની મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી અને બંને વચ્ચે 113 રનની મહત્વપૂર્ણ ભાગીદારી નોંધાઈ. અંતમાં શિવમ દુબેએ ઝડપી 20 રન બનાવી ટીમને 200 પાર પહોંચાડવામાં મદદ કરી.બાદ માં 212 રનના ટાર્ગેટનો પીછો કરતા દિલ્હી કેપિટલ્સની શરૂઆત સામાન્ય રહી હતી. પાથુમ નિસાંકાએ 41 રન બનાવ્યા, જ્યારે ટ્રિસ્ટન સ્ટબ્સે 60 રનની લડાયક ઇનિંગ્સ રમી મેચમાં પાછા આવવાનો પ્રયાસ કર્યો હતો. છતાં ટીમ 20 ઓવરમાં 189 રન સુધી જ પહોંચી શકી અને મેચ હારી ગઈ.
CSK માટે બોલિંગમાં જેમિ ઓવર્ટન સૌથી સફળ રહ્યા હતા. તેમણે 4 વિકેટ ઝડપી દિલ્હી કેપિટલ્સના મધ્યક્રમને તોડી નાખ્યો. ઉપરાંત અંશુલ કાંબોજે 3 વિકેટ લઈને ટીમની જીતમાં મહત્વપૂર્ણ ફાળો આપ્યો. ખાસ નોંધનીય બાબત એ રહી કે સતત ત્રણ હાર બાદ CSK માટે આ જીત ખૂબ જ મહત્વપૂર્ણ હતી. સંજુ સેમસનની આ શાનદાર સદી ટીમ માટે ટર્નિંગ પોઇન્ટ સાબિત થઈ અને ટીમને ટૂર્નામેન્ટમાં નવી ઉર્જા મળી છે. હવે આગળના મુકાબલાઓમાં CSK આ જીતનો આત્મવિશ્વાસ જાળવી રાખે છે કે નહીં તે જોવાનું રહેશે.