અમદાવાદ : રાજ્યભરની આશ્રમ શાળાઓની કથળતી સ્થિતિ અને વ્યવસ્થાપન મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણીમાં હાઈકોર્ટે રાજ્યની કામગીરી સામે કડક ટકોર કરી હતી અને અનેક ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતા. હાઈકોર્ટે સરકારને સવાલ કર્યો હતો કે આશ્રમ શાળાઓ માટે સ્પષ્ટ અને કડક નિયમો કેમ ઘડવામાં આવતા નથી? “નિયમો હશે તો જ શૈક્ષણિક સંસ્થાઓ તેનું યોગ્ય પાલન કરશે,” એવી ટકોર પણ કરવામાં આવી હતી.
આશ્રમ શાળાઓને માત્ર નામ પૂરતી નહીં રાખવી જોઈએ, પરંતુ તેને સુવિધાસભર ‘રેસિડેન્શિયલ સ્કૂલ’ તરીકે વિકસાવવાની જરૂર છે. કોર્ટે સરકારને અરીસો બતાવતા કહ્યું કે, “ત્યારે જ સાચી સફળતા ગણાશે જ્યારે પછાત વિસ્તારનો વિદ્યાર્થી ભણીને સનદી અધિકારી (IAS/IPS) બને.”
સુનાવણી દરમિયાન અરજદાર પક્ષના સિનિયર એડવોકેટે આશ્રમ શાળાઓની પાયાની સમસ્યાઓ રજૂ કરી હતી. તેમાં શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્ટાફની અછત, વર્ષોથી યોગ્ય નિરીક્ષણનો અભાવ અને વિદ્યાર્થીઓને પૂરતું પૌષ્ટિક મધ્યાહન ભોજન ન મળવાનું ગંભીર મુદ્દા તરીકે ઉઠાવવામાં આવ્યા હતા. છેવાડાના સમાજના બાળકોને સારી સુવિધા અને પોષણ મળશે તો જ તેમના વાલીઓ તેમને ભણાવવા પ્રોત્સાહિત કરશે.
બંને પક્ષોની રજૂઆત સાંભળ્યા બાદ હાઇકોર્ટે રાજ્ય સરકાર અને અરજદારને આગામી ત્રણ સપ્તાહમાં વિગતવાર જવાબ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. આ જવાબમાં આશ્રમ શાળાઓનું માળખું, જરૂરી સુવિધાઓ અને સુધારાની દિશામાં લેવાતા પગલાં અંગે સ્પષ્ટતા કરવાની રહેશે.