અમદાવાદ,તા.6
પશ્ચિમ એશિયામાં સર્જાયેલી અસ્થિરતા વચ્ચે રાજય સરકાર અને કેન્દ્ર સરકાર સતત સંકલનમાં રહીને પેટ્રોલિયમ પેદાશો તેમજ અન્ય આવશ્યક વસ્તુઓના પુરવઠા પર બારીકાઈથી નજર રાખી રહી છે. આઈઓસી (IOC) ના નોડલ અધિકારી અને રાજ્યના પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓએ સંયુક્ત રીતે ખાતરી આપી હતી કે રાજ્યમાં ઈંધણ કે ખાતરની કોઈ અછત નથી.રાજ્યમાં ૧૬ ડેપો, ૧૧ એલપીજી બોટલિંગ પ્લાન્ટ અને ૧૦૪૨ વિતરકો રાત-દિવસ કાર્યરત છે. સ્થાનિક લોકોને તંત્રએ અપીલ કરી છે કે અફવાઓ પર વિશ્વાસ ન કરે અને પોતાની જરૂરિયાત મુજબ જ પેટ્રોલ કે ડિઝલની ખરીદી કરે.
આઈઓસીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને નોડલ અધિકારી સંજીબ બેહરાએ જણાવ્યું હતું કે
- પૂરતો જથ્થો ઉપલબ્ધ: રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજી (LPG) નો પૂરતો સ્ટોક છે. નાગરિકોએ ખોટી અફવાઓથી દોરવાઈને ‘પેનિક બાયિંગ’ (ગભરાટમાં ખરીદી) કરવાની કોઈ જરૂર નથી.
- નેટવર્ક: સમગ્ર ગુજરાતમાં ૬૬૮૮ રિટેલ આઉટલેટ્સ (પેટ્રોલ પંપ) સામાન્ય રીતે કાર્યરત છે, જેમાં ૫૧૩૩ સરકારી (PSU) અને ૧૫૫૫ ખાનગી પંપનો સમાવેશ થાય છે.
- વેચાણના આંકડા: માર્ચના અંતમાં અફવાઓને કારણે વેચાણમાં ઉછાળો જોવા મળ્યો હતો. ૨૪ માર્ચના રોજ સરકારી પંપો પર ૪૪,૭૩૩ કિલો લિટરનું વેચાણ થયું હતું, જે સામાન્ય કરતા ઘણું વધારે હતું.
એલપીજી (LPG) અને કેરોસીનની સ્થિતિ: ચેતન ગાંધી
ખાદ્ય અને પુરવઠા વિભાગના જોઈન્ટ ડાયરેક્ટર ચેતન ગાંધીએ જણાવ્યું કે - કોઈ ‘ડ્રાય-આઉટ’ નથી: રાજ્યમાં એલપીજી વિતરકો પાસે પૂરતો સ્ટોક છે. ગઈકાલે જ ૨.૪૩ લાખથી વધુ સિલિન્ડરની સફળ ડિલિવરી કરવામાં આવી છે.
- ગ્રામીણ વ્યવસ્થા: ગ્રામીણ વિસ્તારોમાં રાંધણ ગેસ ઉપરાંત કેરોસીનના વિતરણની વધારાની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.
- ડિજિટલ ટ્રાન્ઝેક્શન: રાજ્યમાં ૮૮% બુકિંગ ડિજિટલ માધ્યમથી થાય છે, જે પારદર્શિતા સુનિશ્ચિત કરે છે.
ખેડૂતો માટે રાહત: ખાતરનો જથ્થો ઉપલબ્ધ
કૃષિ વિભાગના એડિશનલ ડાયરેક્ટર નીતિન શુક્લએ ખાતરી આપી હતી કે રાજ્યના દરેક જિલ્લામાં પૂરતી માત્રામાં તમામ પ્રકારના ખાતરો ઉપલબ્ધ છે. આગામી સમયમાં પણ ખાતરનો પુરવઠો સામાન્ય રહેશે, તેથી ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી.
સરકારની સતત દેખરેખ
પીઆઇબીના ડાયરેક્ટર જનરલ પ્રશાંત પાઠરાબેએ પણ ભાર મૂક્યો હતો કે કેન્દ્ર અને રાજ્ય સરકાર જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સામાન્ય લોકો સુધી પહોંચતી કરવા માટે તમામ જરૂરી પગલાં લઈ રહી છે. ભારત સરકારના પેટ્રોલિયમ મંત્રાલય સાથે સીમલેસ સંકલન દ્વારા વિતરણ વ્યવસ્થાને સુદ્રઢ બનાવવામાં આવી છે.