Jambhughoda

ઝંડ હનુમાન મંદિરે હનુમાન જયંતિએ ભક્તોનું ઘોડાપૂર: ચૈત્રી પૂનમ નિમિત્તે હજારો ભાવિકોએ કર્યા દર્શન

પ્રતિનિધિ, જાંબુઘોડા
જાંબુઘોડા અભયારણ્યના ડુંગરોની હારમાળાની વચ્ચે સ્થિત સુપ્રસિદ્ધ ઝંડ હનુમાન મંદિરે ચૈત્રી પૂનમ અને હનુમાન જયંતિના પાવન અવસરે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં ભાવિકોએ દર્શન માટે લાંબી કતારો લગાવી હનુમાન દાદાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
અહીં એક જ રેતાળ પથ્થરમાંથી બનેલી અંદાજે 21 ફૂટ ઊંચી ભવ્ય હનુમાનજીની પ્રતિમા સ્થાપિત છે, જે આ મંદિરને ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ વિશેષ ઓળખ અપાવે છે. પવિત્ર દિવસે દર્શનનો લાભ લઈ ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

સુંદરકાંડ પાઠ, હોમ-હવન અને ભંડારાની વ્યવસ્થા
હનુમાન જયંતિના અવસરે મંદિરમાં સુંદરકાંડ પાઠ, હોમ-હવન સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. દૂર દૂરથી આવેલા ભક્તો માટે આયોજકો દ્વારા ભંડારાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિકોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો.
જાંબુઘોડા તાલુકાના વિવિધ ગામોમાં આવેલા હનુમાન મંદિરોમાં પણ આ પર્વ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો યોજાઈ ભક્તિનો માહોલ છવાઈ ગયો હતો.

ભક્તોની ભીડને ધ્યાનમાં રાખી પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
ઝંડ હનુમાન મંદિર ખાતે ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા સુરક્ષા અને વ્યવસ્થાનો ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેથી ભાવિકોને કોઈ અગવડ ન પડે.
આ મંદિર શ્રાવણ માસ દરમિયાન પણ વિશેષ આકર્ષણનું કેન્દ્ર રહે છે અને શ્રાવણ માસના અંતિમ શનિવારે અહીં ભવ્ય મેળો ભરાય છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડે છે. ચૈત્રી પૂનમ અને હનુમાન જયંતિ નિમિત્તે આજે સમગ્ર વિસ્તારમાં ભક્તિ અને આનંદનો માહોલ છવાઈ ગયો હતો.

રિપોર્ટર: રમઝાન દીવાન

Most Popular

To Top