Charchapatra

પોલીસે પકડેલા ડ્રગ્સ ક્યાં જાય છે?

હમણાં છેલ્લા થોડા સમયથી ગુજરાત પોલીસ ડ્રગ્સ વિરુદ્ધ ઝુંબેશ ચલાવી રહી છે. ઘણી વખત દરિયાકાંઠે કે સીમા ઉપરથી ડ્રગ્સનો જથ્થો પકડાયો હોવાના સમાચાર આવે છે. પરંતુ આ ડ્રગ્સ કોણે મોકલ્યું? કોણ ડિલિવરી લેવાનું હતું? તે આજ દિન સુધી ખબર પડતી નથી. કેગનો અહેવાલ જણાવે છે કે ગુજરાત પોલીસની એજન્સી ઓગસ્ટ ૨૦૧૦ થી નવેમ્બર ૨૦૨૨ સુધી આશરે બાર વરસ દરમિયાન કુલ ૬,૫૧૦ ,૫૪ કિલો ડ્રગ્સ અને ૮૪૮ બોટલ ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો હતો

સી. આઈ. ડી. ક્રાઈમે ઓગસ્ટ ૨૦૧૧ નવેમ્બર ૨૦૨૪ સુધી આ ડ્રગ્સનો નિકાલ કર્યો જોકે ઓક્ટોબર ૨૦૨૨ થી જુલાઈ ૨૦૨૩ દરમિયાન નિકાલ કરાયેલો જથ્થો ૪,૧૭૭,૮૬ કિલો નોંધાયો હતો. આમ તેમાં જપ્ત કરાયેલા જથ્થા કરતા ૨,૩૩૨,૬૮ કિલો એટલે કે ૩૫ ટકા જથ્થાનો તફાવત હતો. ગૃહવિભાગે ખુલાસો પુછતા ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું છે કે લગભગ ૧૪૪ ,૧૮૦ કિલો ગાંજો તેમાંથી ચોરી થઈ ગયો અને બાકીનું ડ્રગ્સ ઉંદરો ખાઈ ગયા. આ ઉપરાંત ગાંજો અને અફીણ લાંબો સમય સુધી પડી રહ્યો હોવાથી તેમાંથી ભેજ શોષાઈ ગયો હોવાથી વજનમાં ઘટ પડી રહી છે. કેગે અહેવાલમાં વધુમાં જણાવ્યું હતું કે આટલા મોટા જથ્થામાંથી આંશિક જથ્થાની ઘટ સ્વાભાવિક છે પણ આટલો મોટો તફાવત વિચાર માંગી લે એવો છે. ડ્રગ્સ પોલીસ સ્ટેશનના નકામા ઓરડામાં રાખવામાં આવે છે. ૧૨ વરસમાં ૨૩૩૨ કિલો જથ્થાની ઘટ પડી રહી છે.૬૫૧૦ કિલો જપ્ત સામે ૪૧૧૭ કિલો નિકાલ કર્યો. જપ્ત અને નિકાલમાં મોટો તફાવત સામે આવ્યો છે .આપણે જપ્ત કરાયેલા જથ્થાને બરાબર સાચવવાની જરૂર છે. અથવા તો આ જથ્થો જે રાજ્યમાં કાયદેસર વેચાતો હોય ત્યાં વેચી કાઢવો જોઈએ.
સુરત – અબ્બાસભાઈ કૌકાવાલા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top