SURAT

પાલના લિનિયર પાર્ક રોડ પર લક્ઝરી બસો બેફામ દોડે છે

સુરતઃ લોકો નિરાંતે રાત્રિના સમયે વોકવે પર લટાર મારી શકે તે માટે સુરત મનપા દ્વારા કરોડોના ખર્ચે પાલમાં રોડની વચ્ચે લિનિયર પાર્ક બનાવ્યો પરંતુ હવે આ રોડની આસપાસ રોજ રાત્રિના 8 વાગ્યા બાદથી લક્ઝરી બસો બેફામ દોડવા લાગતા સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે. લિનિયર પાર્કની બહાર નીકળતા રોડની એક તરફ બસો અડ્ડો જમાવીને ચાર રસ્તા પર જ ઉભી હોય છે, તેના લીધે વાહનચાલકો અને રાહદારીઓને અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે.

રાત્રિના 10 વાગ્યા સુધી શહેરમાં ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ છે, પરંતુ લક્ઝરી બસના ચાલકો આ નિયમને ધોળીને પી ગયા હોવાનું દ્રશ્ય પાલ-પાલનપુરમાં જોવા મળે છે. અહીં રાત્રિના 8 વાગ્યાથી જ પાલનપુર જકાતનાકા પર બસો ભરાવાની શરૂ થઈ જાય છે. પાલનપુર જકાતનાકા પર મેટ્રોનું કામ ચાલતું હોવાથી રસ્તા સાંકડા થયા છે. અહીં શાકભાજી માર્કેટનું પણ દબાણ છે. તેની વચ્ચે બસો ભરાઈને કેનાલ રોડ થઈ વીફોરયુ સર્કલ, ગેલેક્સી સર્કલ, સ્માર્ટ બજાર થઈ પાલ આરટીઓ તરફ રવાના થાય છે.

  • પાલનપુર જકાતનાકાથી સ્માર્ટ બજાર પાલ આરટીઓ સુધી રાત્રિના 8 વાગ્યાથી જ લક્ઝરી બસોનું દબાણ

રાત્રિના 8થી 8.30 વાગ્યા દરમિયાન જ આ રોડ પર બસોની અવરજવર શરૂ થઈ જાય છે. તે રાત્રિના 11 થી 11.30 વાગ્યા સુધી રહે છે. આ દરમિયાન સમગ્ર રસ્તા પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળે છે. કારણ કે બસ સંચાલકો ચાર રસ્તા પર જ પેસેન્જરને બેસાડવા માટે બસો ઉભી રાખી દે છે. ઘણીવાર તો બે-ત્રણ બસો આગળપાછળ, આજુબાજુમાં ઉભી રહેતી હોવાથી ભારે ટ્રાફિકની સ્થિતિ સર્જાય છે.

જાગૃત નાગરિક સંજય ઈઝાવાએ આ મામલે પોલીસ કમિશનરને ફરિયાદ કરી છે. સંજય ઈઝાવાએ કહ્યું કે, આ રોજનો ત્રાસ થઈ ગયો છે. ઘરની બહાર નીકળી શકાતું નથી. રોડ પર મોટી મોટી બસો 8.30થી જ દોડવા લાગે છે. રાત્રિના 10 વાગ્યા પછી ભારે વાહનો દોડાવાનો નિયમ છે તે નિયમનું બસ સંચાલકો પાલન કરે તે આવશ્યક છે. અમે આ મામલે પોલીસ કમિશનરને ફરિયાદ કરી છે. પોલીસ વહેલી તકે યોગ્ય પગલાં લે તેવી આશા છે.

Most Popular

To Top