SURAT

સુરતમાં બે દિવસ પાણીની કટોકટી: લિંબાયત, ઉધના સહિત અનેક વિસ્તારોમાં સપ્લાય બંધ

સુરત શહેરમાં એપ્રિલ મહિનાની શરૂઆત સાથે જ પાણીની સમસ્યા ઊભી થવાની શક્યતા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા દિલ્હી ગેટ નજીક મુખ્ય પાણી લાઈનના લીકેજને રિપેર કરવા માટે કામ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ કામગીરી 1 એપ્રિલ સવારે 9:30 વાગ્યે શરૂ થશે અને 2 એપ્રિલ સવારે 8 વાગ્યા સુધી ચાલુ રહેશે. આ રિપેરિંગ કામને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી પુરવઠો સંપૂર્ણ રીતે બંધ રહેશે અથવા ખૂબ ઓછા પ્રેશરથી મળશે. ખાસ કરીને લિંબાયત, ઉધના, અઠવા અને સેન્ટ્રલ ઝોનના વિસ્તારોમાં રહેવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ઉધના ચીકુવાડી વિસ્તાર હેઠળના જુના બમરોલીમાં આવેલા અપેક્ષા નગર, હરીઓમ, પુનિત, દેવી દર્શન અને જય જવાન જય કિશાન સોસાયટીમાં પાણી બંધ રહેશે. ઉપરાંત ગોવાલક વિસ્તારમાં અંબિકા નગર, આશાપુરી, દેવેન્દ્ર નગર, ગણપત, લક્ષ્મી, કરશન, હીરા નગર અને કર્મયોગી સોસાયટીમાં પણ પાણી નહીં મળે.

પાંડેસરા અને ખટોદરા GIDC વિસ્તાર તેમ જ લિંબાયતના ભાઠેના, સલીમનગર, જવાહરનગર, નહેરૂનગર, લો-કાસ્ટ કોલોની અને અન્ય વિસ્તારોમાં પણ સપ્લાય સંપૂર્ણ બંધ રહેશે. સેન્ટ્રલ ઝોનના મહીધરપુરા, રામપુરા, હરીપુરા, સૈયદપુરા અને રેલવે સ્ટેશન આસપાસના વિસ્તારોમાં બુધવારે સાંજે પાણી પુરવઠો અંશતઃ પ્રભાવિત રહેશે. 2 એપ્રિલના રોજ સવારના પાણી સપ્લાય પર પણ મોટી અસર પડશે. પાંડેસરા, ભેસ્તાન, ઉધના ગામ તળ, ગાયત્રીનગર, શાંતિનગર અને અન્ય વિસ્તારોમાં પાણી બંધ રહેશે. લિંબાયતના કેટલાક વિસ્તારોમાં પણ સવારના સમયે પાણી નહીં મળે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકાએ નાગરિકોને પાણી સંગ્રહ કરવાની સલાહ આપી છે. જરૂરિયાત મુજબ પાણીનો ઉપયોગ કરવાની અને બગાડ ટાળવાની પણ અપીલ કરવામાં આવી છે.

Most Popular

To Top