Vadodara

વડોદરા : 300 કરોડની લોનના બહાને છેતરપિંડી કેસમાં માસ્ટર માઈન્ડ નયના મહીડાના જામીન નામંજૂર

અનેક લોકો સાથે લોનના બહાને છેતરપિંડી કરવામાં મહિલાની સંડોવણી

સોલાર પ્રોજેક્ટ માટે લોન અપાવવાની લાલચ આપી લાખો રૂપિયાની છેતરપિંડી કરાઈ

વડોદરા, તા. 28
વડોદરા શહેરમાં કરોડો રૂપિયાની લોન અપાવવાના બહાને છેતરપિંડીના કેસમાં આરોપી નયનાબેન મહીડાને અદાલતમાંથી કોઈ રાહત મળી નથી. કોર્ટ દ્વારા તેમની નિયમિત જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે.
વર્ષ 2021 દરમિયાન અક્ષરચોક સ્થિત એક ફાઈનાન્સિયલ સર્વિસ મારફતે નયના મહીડા અને તેના પુત્રએ વલસાડની એક કંપનીને રૂ. 300 કરોડની લોન અપાવવાની લાલચ આપી હતી. સોલાર પ્રોજેક્ટ અને ગ્રીન હાઈડ્રોજન પ્લાન્ટ માટે લોન મંજૂર કરાવવાના બહાને આશરે રૂ. 22.50 લાખથી વધુ રકમ કમિશન તરીકે લેવામાં આવી હતી. જોકે, લોન મળી નહોતી અને રૂપિયા પરત ન મળતા પીડિતોએ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી.
કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલે દલીલ કરી હતી કે નયના મહીડા આ સમગ્ર કૌભાંડની મુખ્ય સૂત્રધાર છે અને તેના વિરુદ્ધ અગાઉ પણ સમાન પ્રકારની ત્રણ ફરિયાદો નોંધાઈ ચૂકી છે.
કોર્ટે નોંધ્યું હતું કે માત્ર ચાર્જશીટ દાખલ થવાથી જામીન આપવા માટે પૂરતા આધાર ઉભા થતા નથી. સાથે જ, સહ-આરોપી હજી ફરાર હોવાને કારણે પુરાવા સાથે ચેડાં થવાની શક્યતા પણ નકારી શકાય નહીં. આ તમામ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને કોર્ટ દ્વારા નયના મહીડાની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે અને તેને જેલમાં જ રાખવાનો આદેશ કર્યો છે.

Most Popular

To Top