ગુજરાતની ત્રણ અગ્રણી LGBTQIA+ સંસ્થાઓએ કેન્દ્ર સરકારના પ્રસ્તાવિત સુધારાને ‘કાળો કાયદો’ ગણાવી વખોડ્યો
વડોદરામાં કમાટીબાગ ની બહાર LGBTQIA+ સમુદાયના લોકોએ ભેગા થઈને કર્યો વિરોધ

(પ્રતિનિધિ), વડોદરા. તા.24
ભારતીય બંધારણે દરેક નાગરિકને સમાનતા, ગૌરવ અને સ્વતંત્રતાનો અધિકાર આપ્યો છે. પરંતુ, કેન્દ્ર સરકાર દ્વારા પ્રસ્તાવિત ‘ટ્રાન્સજેન્ડર પર્સન્સ (પ્રોટેક્શન ઓફ રાઈટ્સ) સુધારા બિલ, 2026’ આ બંધારણીય મૂલ્યોનું ચીરેચીરા કરી રહ્યું હોય તેવું જણાય છે. ગુજરાતમાં ટ્રાન્સજેન્ડર અને ક્વીઅર સમુદાયના હકો માટે લડતી ત્રણ પ્રમુખ સંસ્થાઓએ એકસૂરે આ બિલને ‘કાળો કાયદો’ ગણાવી તેની કડક નિંદા કરી છે. વર્ષોના સંઘર્ષ બાદ, 2014માં સુપ્રીમ કોર્ટે NALSA v. Union of India ના ઐતિહાસિક ચુકાદામાં સ્વીકાર્યું હતું કે ‘Gender Identity’ (લિંગ ઓળખ) એ વ્યક્તિનો આંતરિક મામલો છે અને તે નક્કી કરવાનો અધિકાર માત્ર તે વ્યક્તિને જ છે. પરંતુ 2026નો આ નવો સુધારો જાણે સમયના ચક્રને પાછળ ફેરવી રહ્યો છે. આ બિલ વ્યક્તિના પોતાના શરીર પરના હક્ક (Bodily Autonomy) ને નકારી કાઢે છે, જે માનવ અધિકારોનું ઘોર ઉલ્લંઘન છે. આ સુધારા બિલની સૌથી વિવાદાસ્પદ કલમ તેની વ્યાખ્યા છે. સરકાર ‘ટ્રાન્સજેન્ડર’ શબ્દને એટલો સંકુચિત બનાવી રહી છે કે સમુદાયનો એક મોટો હિસ્સો કાયદાકીય રક્ષણની બહાર ફેંકાઈ જશે. સાચા પીડિતો’ ને ઓળખવાના બહાને સરકાર સમુદાયમાં આંતરિક રીતે ભેદભાવ ઊભો કરી રહી છે. હકોને માત્ર ચોક્કસ સામાજિક-સાંસ્કૃતિક સમૂહો (જેમ કે હિજડા સમુદાય) અથવા માત્ર ઇન્ટરસેક્સ લોકો સુધી સીમિત રાખીને, અન્ય હજારો ટ્રાન્સ વ્યક્તિઓને અદ્રશ્ય કરી દેવાનો આ પ્રયાસ છે. સંસ્થાઓના પ્રતિનિધિઓએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું કે, અમે સરકારને પૂછવા માંગીએ છીએ કે કોઈની ઓળખ નક્કી કરવાનો હક કોઈ કમિટી કે બોર્ડને કેવી રીતે હોઈ શકે ? શું અમારે અમારું અસ્તિત્વ સાબિત કરવા માટે ફરીથી અપમાનજનક તપાસણીઓ અને સરકારી કચેરીઓના ધક્કા ખાવાના ? આ સુધારો ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને માત્ર ‘સુરક્ષાના પાત્ર’ તરીકે જુએ છે, ‘સમાન નાગરિક’ તરીકે નહીં. તે સુરક્ષાના નામે સમુદાય પર દેખરેખ (Surveillance) રાખવાનું સાધન બની જશે તેવી ભીતિ છે. ગુજરાતની આ સંસ્થાઓએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો સરકાર આ લોકશાહી વિરોધી સુધારો પાછો નહીં ખેંચે, તો સમુદાય રસ્તા પર ઉતરીને અને કાયદાકીય રીતે લડત આપવા માટે મજબૂર થશે. આ લડાઈ માત્ર ટ્રાન્સજેન્ડર લોકોની નથી, પણ ભારતના દરેક નાગરિકના પોતાની રીતે જીવવાના અધિકાર’ ની છે.