હોર્મુઝ સ્ટ્રેટમાં વધતા તણાવ વચ્ચે અમેરિકાએ વૈશ્વિક સહયોગ મેળવવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ અત્યાર સુધી મોટા દેશોની પ્રતિક્રિયા સાવચેત અને મર્યાદિત રહી છે. Donald Trumpએ 14 માર્ચે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને દાવો કર્યો હતો કે ચીન, ફ્રાન્સ, જાપાન, દક્ષિણ કોરિયા, બ્રિટન સહિત અનેક દેશો આ વિસ્તારમાં સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પોતાના યુદ્ધ જહાજો મોકલી શકે છે. ટ્રમ્પે કહ્યું હતું કે હોર્મુઝ સ્ટ્રેટને સંપૂર્ણપણે સુરક્ષિત અને ખુલ્લું રાખવા માટે આંતરરાષ્ટ્રીય સહયોગ જરૂરી છે અને ત્યાં સુધી અમેરિકા ઈરાનની નૌસેનાને નિશાન બનાવી કાર્યવાહી ચાલુ રાખશે.
જોકે, ટ્રમ્પની આ અપીલ બાદ સંબંધિત દેશોની પ્રતિક્રિયાઓ આપી હતી. બ્રિટન તરફથી જણાવાયું છે કે તેઓ વિસ્તારમાં શિપિંગ સુરક્ષા માટે પોતાના સહયોગીઓ સાથે વિવિધ વિકલ્પો પર ચર્ચા કરી રહ્યા છે. બ્રિટનના સંરક્ષણ મંત્રાલયે સીધો નિર્ણય જાહેર કર્યો નથી, પરંતુ સંકેત આપ્યો છે કે સહયોગ અંગે ચર્ચા ચાલુ છે. ચીન તરફથી પણ સાવધાનીભર્યો અભિગમ અપનાવવામાં આવ્યો છે. વોશિંગ્ટન સ્થિત ચીની દૂતાવાસના પ્રવક્તાએ જણાવ્યું કે ચીન તાત્કાલિક યુદ્ધ સમાપ્ત કરવાની અપીલ કરે છે અને ઊર્જા પુરવઠો વિક્ષેપ વગર ચાલુ રહે તે તમામ પક્ષોની જવાબદારી છે. જોકે ટ્રમ્પની વિનંતી સ્વીકારવા અંગે ચીને કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નથી.
અમેરિકાનો નજીકના સાથી ગણાતા જાપાન તરફથી પણ હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જાપાની મીડિયા અહેવાલો મુજબ આ મુદ્દો જાપાનના વડાપ્રધાનના આગામી અમેરિકી પ્રવાસ દરમિયાન ચર્ચાનો વિષય બની શકે છે. જાપાનના વિદેશ મંત્રાલયના એક અધિકારીએ સ્પષ્ટ કહ્યું છે કે દેશ કોઈ પણ નિર્ણય સ્વતંત્ર રીતે લેશે અને માત્ર અમેરિકાની અપીલના આધારે તરત જ યુદ્ધ જહાજો મોકલશે નહીં. ફ્રાન્સે પણ સ્પષ્ટ કર્યું છે કે તેઓ હાલ પોતાના એરક્રાફ્ટ કેરિયર ગ્રુપને પૂર્વી ભૂમધ્ય સમુદ્રમાં જ રાખશે અને યુદ્ધ જહાજો મોકલવાની અફવાઓને નકારી કાઢી છે. ફ્રાન્સે પોતાના વલણને રક્ષણાત્મક ગણાવ્યું છે.બીજી તરફ દક્ષિણ કોરિયાએ અત્યાર સુધી આ મુદ્દે કોઈ જાહેર પ્રતિક્રિયા આપી નથી.
Donald Trumpએ હોર્મુઝ મુદ્દે વૈશ્વિક સહયોગ માટે અપીલ કરી હોવા છતાં ઘણા દેશો આ સંઘર્ષથી દૂર રહેવાનો પ્રયાસ કરી રહ્યા છે. નાટોમાં અમેરિકાના મહત્વના ભાગીદાર ગણાતા Recep Tayyip Erdoğanના નેતૃત્વ હેઠળના Turkeyએ પણ સાવચેતીભર્યો અભિગમ અપનાવ્યો છે. રશિયાની TASS ન્યૂઝ એજન્સી મુજબ રમઝાન દરમિયાન આયોજિત ઇફ્તાર કાર્યક્રમમાં એર્દોગને જણાવ્યું હતું કે તુર્કી તમામ સંભવિત જોખમો માટે તૈયાર છે, પરંતુ Iran સાથે ચાલી રહેલા સંઘર્ષમાં સીધા ફસાઈ ન જાય તે માટે જરૂરી સાવચેતી રાખી રહ્યા છે. એર્દોગને વધુમાં જણાવ્યું હતું કે તાજેતરમાં તુર્કીના હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન થયાની ઘટના સામે સુરક્ષા પગલાં લેવામાં આવ્યા છે. ઈરાન તરફથી છોડવામાં આવેલી મિસાઈલનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે દેશની સુરક્ષા અને હવાઈ ક્ષેત્રની રક્ષા કરવી તુર્કીની પ્રથમ જવાબદારી છે. તુર્કીના સંરક્ષણ મંત્રાલયે પણ જણાવ્યું હતું કે ભૂમધ્ય સમુદ્ર વિસ્તારમાં નાટો દળોએ ઈરાનથી છોડાયેલી એક મિસાઈલને નષ્ટ કરી દીધી હતી, જે તુર્કીના હવાઈ ક્ષેત્ર તરફ આવી રહી હતી. 4 માર્ચ પછી આવી ત્રીજી ઘટના નોંધાઈ છે. આ પરિસ્થિતિમાં તુર્કીએ પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે કે તે સંઘર્ષમાં સીધો પક્ષ બનવા માંગતું નથી. બીજી તરફ, ટ્રમ્પ દ્વારા હોર્મુઝ સ્ટ્રેટમાં સહયોગ માટે કરાયેલી અપીલ પર અનેક દેશોએ હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. જેના કારણે એવું લાગી રહ્યું છે કે આ મુદ્દે અમેરિકાને આંતરરાષ્ટ્રીય સ્તરે મર્યાદિત સમર્થન મળી રહ્યું છે.