Gujarat

અન્ન વિતરણ વ્યવસ્થા હવે ડિજિટલ બની

ગાંધીનગર : ગુજરાત વિધાનસભામાં અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગ માટે વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટમાં રૂ. ૨,૮૫૬ કરોડની અંદાજપત્રીય માંગણીઓ મંજૂર કરવામાં આવી હતી. ચર્ચાનો જવાબ આપતાં મંત્રી રમણભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ‘અંત્યોદય’ અને ‘ગરીબ કલ્યાણ’ના મંત્ર સાથે છેવાડાના માનવી સુધી અન્ન સુરક્ષા પહોંચાડવા પ્રતિબદ્ધ છે.

તેમણે કહયું હતું કે રાજ્યમાં અંદાજે ૭૫ લાખ NFSA પરિવારોને અન્ન સુરક્ષા પૂરી પાડવા માટે રૂ. ૭૦૦.૬૩ કરોડ ફાળવવામાં આવ્યા છે. ઉપરાંત NFSA કાર્ડધારકોને રાહત દરે તુવેર દાળ અને ચણા આપવા માટે રૂ. ૮૪૧.૬૯ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ૭૫ લાખ પરિવારોને માત્ર રૂ. ૧ પ્રતિ કિલોના દરે ડબલ ફોર્ટિફાઈડ મીઠું આપવા રૂ. ૫૯.૪૯ કરોડ ફાળવવામાં આવ્યા છે. ખેડૂતોના હિતમાં શ્રીઅન્ન (મિલેટ્સ)ના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા બાજરી, જુવાર, રાગી અને મકાઈની ખરીદી પર પ્રતિ ક્વિન્ટલ રૂ. ૩૦૦નું બોનસ આપવાની જોગવાઈ કરવામાં આવી છે. જાહેર વિતરણ વ્યવસ્થાની મહત્વપૂર્ણ કડી એવા ૧૭ હજારથી વધુ વાજબી ભાવના દુકાનદારોના કમિશનમાં પણ વધારો કરીને રૂ. ૧૫૦ના બદલે હવે રૂ. ૧૮૫ પ્રતિ ક્વિન્ટલ ચૂકવવામાં આવશે.અન્ન વિતરણમાં પારદર્શિતા લાવવા ટેક્નોલોજીનો વ્યાપ વધારવામાં આવ્યો છે. દેશમાં પ્રથમવાર CBDC આધારિત ડિજિટલ ફૂડ કૂપનનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ થયો છે અને રાજ્યના ૪.૨૩ કરોડ રેશનકાર્ડ સભ્યોનું e-KYC પૂર્ણ કરવામાં આવ્યું છે.નવી પહેલરૂપે તુવેર દાળ, ચણા અને ખાંડનું વિતરણ હવે ૧ કિલોગ્રામના પ્રમાણિત પેકિંગમાં કરવામાં આવશે. ઉપરાંત ‘મેડ ઈન ગુજરાત’ ગ્રેઈન એટીએમ દ્વારા લાભાર્થીઓને ૨૪ કલાકમાં માત્ર ૩૫ સેકન્ડમાં ૨૫ કિલો અનાજ મળવાની સુવિધા શરૂ કરાશે.

તેમણે જણાવ્યું હતું કે ગ્રાહકોના હિત માટે ‘સજાગ ગ્રાહક, સુરક્ષિત ગુજરાત’ અભિયાન અંતર્ગત વિશ્વમાં પ્રથમવાર ‘કન્ઝ્યુમર રિસ્પોન્સિબિલિટી ઈન્ડેક્સ’ તૈયાર કરવામાં આવશે. ઉપરાંત ગ્રાહક તકરાર નિવારણ આયોગોમાં પ્રિ-લિટિગેશન અને સમાધાન કેન્દ્રો સ્થાપવામાં આવશે.આ સિવાય સંગ્રહ ક્ષમતા વધારવા નાબાર્ડની સહાયથી ૪૫ તાલુકાઓમાં ૫૧ નવા ગોડાઉનો બાંધવાની યોજના છે તેમજ જાહેર વિતરણ વ્યવસ્થાના સુદૃઢ અમલ માટે નવા આઈટી સેલની રચના કરવામાં આવશે. આ રીતે ટેક્નોલોજી આધારિત પારદર્શક વ્યવસ્થા અને નવી પહેલો દ્વારા રાજ્ય સરકાર અન્ન સુરક્ષા, ગ્રાહક હિત અને ખેડૂતોના કલ્યાણને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો કરી રહી છે.

Most Popular

To Top