ઈરાન-અમેરિકા-ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોની અવરજવર પર વિશ્વભરના દેશોની નજર છે. આ સંઘર્ષ દરમિયાન ઈરાને આ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ પર નિયંત્રણ કડક કરતા અનેક જહાજો ત્યાં અટવાઈ ગયા છે. તેના કારણે વૈશ્વિક તેલ પુરવઠા પર અસર પડી છે અને ભારતમાં ગેસની અછત અંગે પણ ચર્ચા થઈ રહી છે. જોકે ભારત સરકારે હાલ સ્થિતિ નિયંત્રણમાં હોવાનું જણાવ્યું છે.
ભારત અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવભર્યા પ્રાદેશિક પરિસ્થિતિ વચ્ચે મહત્વપૂર્ણ વાટાઘાટો ચાલી રહી હોવાનું ભારતમાં ઈરાનના રાજદૂત મોહમ્મદ ફતાલીએ જણાવ્યું છે. તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચેના સંબંધો મજબૂત અને અતૂટ છે અને અન્ય દેશોના વલણથી તેમાં કોઈ અસર નહીં થાય. મોહમ્મદ ફતાલીએ સંકેત આપ્યો કે ભારત અને ઈરાન વચ્ચે ચાલી રહેલી ચર્ચાનું પરિણામ આગામી થોડા કલાકોમાં જાહેર થઈ શકે છે. તેમના જણાવ્યા મુજબ, આ ચર્ચામાં હોર્મુઝ સ્ટ્રેટમાં ઉભી થયેલી પરિસ્થિતિ, ભારતીય ખલાસીઓની સુરક્ષા અને ભારત માટે તેલ પુરવઠો ચાલુ રાખવા જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ સામેલ છે.
રાજદૂતે જણાવ્યું કે હાલ હોર્મુઝ સ્ટ્રેટમાં વધતા તણાવને કારણે ઘણા જહાજો અટવાઈ ગયા છે અને તેમાં ભારતીય ખલાસીઓ પણ ફસાયેલા હોવાની ચિંતા વ્યક્ત થઈ રહી છે. ઈરાન આ મુદ્દાને ગંભીરતાથી લઈ રહ્યું છે અને ભારતીય નાગરિકોની સુરક્ષા માટે જરૂરી પગલાં લઈ રહ્યું છે. ફતાલીએ વધુમાં જણાવ્યું કે ઈરાનના વરિષ્ઠ અધિકારીઓએ દૂતાવાસને સૂચના આપી છે કે તેઓ ભારત સરકાર સાથે સતત સંપર્કમાં રહીને તમામ મુદ્દાઓનો ઉકેલ શોધે. બંને દેશોના અધિકારીઓ વચ્ચે તાજેતરમાં લાંબી ચર્ચા પણ થઈ છે. ઈરાની રાજદૂતે આશા વ્યક્ત કરી કે ટૂંક સમયમાં સકારાત્મક પરિણામ મળશે. તેમના કહેવા મુજબ, ભારતીય ખલાસીઓની સુરક્ષિત વાપસી, તેલ પુરવઠો જાળવી રાખવો અને વિસ્તારમાં વધતા તણાવને ઘટાડવા માટે બંને દેશો સાથે મળીને પ્રયાસ કરી રહ્યા છે.