સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાને પડકારતી લૂંટની ઘટના સામે આવતા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. ગણેશનગર વિસ્તારમાં આવેલા કમલા ચોક હનુમાન મંદિર નજીક ગઈ કાલે મોડી સાંજે અંદાજે 7 થી 8 વાગ્યાની વચ્ચે અજાણ્યા લૂંટારૂઓએ નોકરી પરથી ઘરે પરત ફરી રહેલા યુવકને નિશાન બનાવી ચપ્પુ બતાવી લૂંટ ચલાવી હોવાની માહિતી સામે આવી છે.
પાંડેસરા પોલીસ પાસે થી મળતી માહિતી મુજબ, યુવક પોતાના કામ પરથી ઘરે જઈ રહ્યો હતો ત્યારે અંધારાનો લાભ લઈ અજાણ્યા શખ્સોએ તેને રસ્તામાં અટકાવ્યો હતો. ત્યારબાદ લૂંટારૂઓએ ચપ્પુ બતાવી યુવકને ધમકાવ્યો અને તેની પાસે રહેલો મોબાઈલ ફોન તથા અંદાજે ₹9000 જેટલી રોકડ રકમ લૂંટી લીધી હતી. લૂંટ દરમિયાન યુવક સાથે ઝપાઝપી થતાં તેને ઈજા પહોંચી હતી,ઘટનાની જાણ થતાં આસપાસના લોકો તરત જ દોડી આવ્યા હતા, ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલમાં યુવક સારવાર હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે.
વધુમાં પરિવારજનોના જણાવ્યા મુજબ, લૂંટારૂઓએ વિસ્તારના અંધારાનો લાભ લઈ આ ઘટનાને અંજામ આપ્યો હતો અને લૂંટ કર્યા બાદ તાત્કાલિક સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. પરિવાર દ્વારા પોલીસ પાસે આરોપીઓને ઝડપીને લૂંટાયેલો મોબાઈલ અને રોકડ રકમ પરત અપાવાની માંગ કરવામાં આવી છે.
આ ઘટનાને પગલે ગણેશનગર અને આસપાસના વિસ્તારોમાં રાત્રિના સમયે નોકરી પરથી ઘરે પરત ફરતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક રહેવાસીઓએ પોલીસ તંત્ર પાસે વિસ્તારમાં રાત્રિના સમયે પેટ્રોલિંગ વધારવાની તેમજ સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવાની માંગ ઉઠાવી છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.