સદનસીબે જાનહાનિ ટળી, બંને વાહનોને નુકસાન, હાઈવે પર અકસ્માતોની વધતી ઘટનાઓથી ચિંતા
(પ્રતિનિધિ) વડોદરા, તા.12:
વડોદરા શહેર અને આસપાસના હાઈવે માર્ગો પર અકસ્માતોની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તેવામાં આજે વહેલી સવારે કપુરાઈ ચોકડી પાસે વધુ એક અકસ્માતની ઘટના બની હતી. હાઈવે પર ઊભેલી ટ્રકની પાછળ આઈસર ગાડી ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.

પ્રાપ્ત માહિતી મુજબ આજે વહેલી સવારે અંદાજે 4:30 વાગ્યાના આસપાસ કપુરાઈ ચોકડી પાસે હાઈવે પર એક ટ્રક ઊભી હતી. તે દરમિયાન પાછળથી આવી રહેલી આઈસર ગાડીના ચાલકને ઝોકું આવી જતા ગાડી પરનો કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે આઈસર ગાડી સીધી આગળ ઊભેલી ટ્રકમાં ધડાકાભેર અથડાઈ ગઈ હતી.

અકસ્માતના કારણે બંને વાહનોને નુકસાન થયું હતું. જો કે સદનસીબે કોઈને ગંભીર ઈજા પહોંચી નથી અને મોટી દુર્ઘટના થતા ટળી હતી. આ ઘટનાએ ફરી એકવાર હાઈવે પર વહેલી સવારે વાહનચાલકોમાં થતી બેદરકારી અને થાકના કારણે સર્જાતા અકસ્માતોની સમસ્યા સામે લાવી છે.