અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા સંઘર્ષની અસર હવે ગુજરાતના મોરબી જિલ્લાના સિરામિક ઉદ્યોગ પર પણ જોવા મળી રહી છે. પ્રોપેન ગેસના પુરવઠામાં વિક્ષેપ સર્જાતા જિલ્લામાં આશરે 100 જેટલા સિરામિક ઉત્પાદન યુનિટોએ કામગીરી બંધ કરી દીધી છે. મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (વિટ્રિફાઇડ ટાઇલ્સ ડિવિઝન) ના પ્રમુખના જણાવ્યા અનુસાર, છેલ્લા બે દિવસથી પ્રોપેન ગેસ ઉપલબ્ધ ન હોવાથી આ યુનિટો બંધ કરવા પડ્યા છે. તેમણે ચિંતા વ્યક્ત કરતા આગળ જણાવ્યું છે કે, જો ગેસ પુરવઠો ટૂંક સમયમાં પુનઃસ્થાપિત નહીં થાય અને સપ્લાયર્સ તરફથી સ્પષ્ટ માર્ગદર્શન નહીં મળે, તો આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે. તેમના કહેવા મુજબ હાલની સ્થિતિ યથાવત રહી તો એક અઠવાડિયામાં અંદાજે 400 જેટલા વધુ પ્રોપેન આધારિત યુનિટોને પણ કામગીરી બંધ કરવાની ફરજ પડી શકે છે.
મોરબી વિશ્વના સૌથી મોટા સિરામિક ઉત્પાદન કેન્દ્રોમાંનું એક છે, જ્યાંથી સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય બજારો માટે ટાઇલ્સ અને અન્ય સિરામિક ઉત્પાદનોનું મોટા પાયે ઉત્પાદન થાય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત ગેસ દ્વારા પૂરવઠો થતા ગેસ પર આધારિત કેટલાક યુનિટો હાલ કાર્યરત છે, પરંતુ મર્યાદિત ઉપલબ્ધતાને કારણે તેમની કામગીરી પણ અનિશ્ચિત બની રહી છે. આ મુદ્દે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ચિંતા વ્યક્ત કરી છે. નોંધનીય છે કે 28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઇઝરાયલે ઈરાન પર સૈન્ય કાર્યવાહી શરૂ કર્યા બાદ પશ્ચિમ એશિયામાં તણાવ વધી ગયો છે. આ સંઘર્ષને કારણે તેલ અને ગેસ ક્ષેત્રોમાં વિક્ષેપ સર્જાયો છે તેમજ હોર્મુઝ સ્ટ્રેટ જેવા મહત્વના માર્ગો પર પણ અસર પડી છે, જેનો પ્રભાવ હવે વૈશ્વિક ઇંધણ પુરવઠા અને ઉદ્યોગો પર જોવા મળી રહ્યો છે.