અક્ષર જીનીંગ નજીક અથડામણમાં બંને બાઇકોના ફુરચા ઉડી ગયા
નસવાડી: નસવાડી તાલુકાના ચામેઠા થી કલેડીયા રોડ પર અક્ષર જીનીંગ પાસે બે મોટરસાયકલ વચ્ચે સામસામે અથડામણ થતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કુલ 6 યુવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જેમાંથી 5 યુવાનોની હાલત નાજુક જણાતા તેમને વધુ સારવાર માટે રાજપીપળા હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ સાંજના સમયે પૂરપાટ ઝડપે આવી રહેલી બે મોટરસાયકલ અક્ષર જીનીંગ નજીક સામસામે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બંને બાઇકોના ફુરચા ઉડી ગયા હતા અને તેના પર સવાર છ યુવાનો રસ્તા પર લોહીલુહાણ હાલતમાં પટકાયા હતા.
અકસાનમાં ઇજાગ્રસ્ત થયેલા યુવાનો અલગ-અલગ ગામના હોવાનું જાણવા મળ્યું છે. જેમાં નસવાડી ગામના મદનઝાંપા વિસ્તારના 3 યુવાનો, નસવાડી તાલુકાના ખોડિયા ગામનો 1 યુવાન, ઇટાલીયા ગામનો 1 યુવાન અને વાડીયા ગામનો 1 યુવાન સામેલ છે.
અકસાન બાદ સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સની મદદથી તમામ ઇજાગ્રસ્તોને નસવાડી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, ઇજાઓ ગંભીર હોવાને કારણે પ્રાથમિક સારવાર બાદ 5 યુવાનોને વધુ સારવાર માટે રાજપીપળા હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતા નસવાડી પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને અકસ્માત અંગે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટર: સર્વેઝ મેમણ