Vadodara

વડોદરાના માંજલપુરમાં ATMમાં ‘ભભૂકી’ આગ: લાખોની રોકડ સાથે મશીન સ્વાહા!​

મંગળવારે સાંજે કોમ્પ્લેક્સમાં ધુમાડાના ગોટેગોટા ઉડતા રહીશોમાં ફફડાટ, ફાયર બ્રિગેડની બે ગાડીઓએ ભારે જહેમત બાદ આગ ઠારી

વડોદરા: સંસ્કારી નગરી વડોદરાના માંજલપુર વિસ્તારમાં આજે સાંજના સમયે એક એટીએમ માં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં એટીએમ મશીન સહિત તેમાં રહેલી તમામ રોકડ રકમ બળીને ખાખ થઈ ગઈ હોવાની આશંકા છે. આગની જ્વાળાઓ એટલી વિકરાળ હતી કે તેની લપેટમાં આસપાસની દુકાનો પણ આવી ગઈ હતી, જેના કારણે મોટાપાયે આર્થિક નુકસાન થયું છે.
માંજલપુર સ્થિત એક કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં આવેલા એટીએમ સેન્ટરમાં સાંજના સમયે અચાનક ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ અંગેની જાણ થતા જ સાંજે 5:41 વાગ્યે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતા જોતા ફાયર વિભાગની બેથી વધુ ગાડીઓ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી.
​જે બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર એટીએમ આવેલું હતું, તેની ઉપરના માળે રહેણાંક એપાર્ટમેન્ટ હોવાથી રહીશોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. સાવચેતીના ભાગરૂપે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો, જેના કારણે આગ વધુ ઉપરના માળ સુધી પ્રસરતા અટકી હતી.
સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જે એક મોટી રાહતના સમાચાર છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટના કારણે આ દુર્ઘટના બની હોવાનું અનુમાન છે. હાલમાં ફાયર વિભાગ અને સંબંધિત સત્તાવાળાઓ દ્વારા આગ લાગવાના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.

​જીઈબીની કામગીરી બાદ સર્જાયો ભડકો!…

​વડોદરાના માંજલપુર ગામમાં આવેલું SBIનું એટીએમ મશીન અને તેમાં રહેલી લાખોની રોકડ જોતજોતામાં રાખના ઢગલામાં ફેરવાઈ ગઈ હતી. સ્થાનિક આગેવાન રાજવીર સિંહના જણાવ્યા અનુસાર, GEB દ્વારા હાથ ધરાયેલી કામગીરીના થોડા જ સમય બાદ અચાનક શોર્ટ સર્કિટ થતા આગ ફાટી નીકળી હતી. ફાયર બ્રિગેડ પહોંચે તે પૂર્વે જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ઉપરના માળે રહેતા પરિવારોમાં નાસભાગ મચી ગઈ હતી. ધુમાડાના ગોટેગોટા વચ્ચે પરિવારો સુરક્ષિત રીતે નીચે ઉતરી આવતા મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ ઘરની બારી-બારણાં આ ભીષણ ગરમીમાં શેકાઈ ગયા હતા. જીઈબીની કામગીરીમાં ક્ષતિ રહી ગઈ હોવાની ચર્ચા વચ્ચે, ફાયર બ્રિગેડની સતર્કતાએ આસપાસની અન્ય દુકાનોને ભસ્મીભૂત થતા બચાવી લીધી હતી.

Most Popular

To Top