Vadodara

વડોદરામાં બેવડી ઋતુનો ‘ડબલ એટેક’, વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં તોતિંગ ઉછાળો

કારેલીબાગ ચેપી રોગ દવાખાનામાં દર્દીઓની કતાર, દરરોજ 70-80 કેસ નોંધાતા તંત્ર એલર્ટ

(પ્રતિનિધિ), વડોદરા. તા.3

શહેરમાં ઠંડીની વિદાય અને ગરમીના પ્રારંભ વચ્ચે અનુભવાતી ‘મિશ્ર ઋતુ’ હવે નાગરિકોના સ્વાસ્થ્ય પર ભારે પડી રહી છે. વડોદરાના વાતાવરણમાં આવેલા પલટાને કારણે વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. ખાસ કરીને શરદી, ખાંસી અને તાવના દર્દીઓથી હોસ્પિટલો ઉભરાઈ રહી છે. કારેલીબાગ સ્થિત સરકારી ચેપી રોગ દવાખાનામાં દરરોજ સરેરાશ 70 થી 80 દર્દીઓ ઓપીડીમાં નોંધાઈ રહ્યા છે, જે પૈકી 50 ટકા કેસ માત્ર વાયરલ ઇન્ફેક્શનના હોવાનું સામે આવ્યું છે. આરોગ્ય નિષ્ણાતોના મતે, જ્યારે તાપમાનમાં સતત વધ-ઘટ થાય છે, ત્યારે તે વાયરસના ફેલાવા માટે સૌથી અનુકૂળ સમય હોય છે. હાલ વહેલી સવારે ગુલાબી ઠંડી અને બપોરે આકરો તાપ પડતો હોવાથી લોકોની રોગપ્રતિકારક શક્તિ પર તેની સીધી અસર પડી રહી છે. કારેલીબાગ વિસ્તારમાં આવેલી ચેપી રોગની હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો. પ્રિતેશ શાહે નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, હાલમાં નાના બાળકોમાં સંક્રમણનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે કારણ કે તેમની ઇમ્યુનિટી ઓછી હોય છે. વાલીઓએ બાળકોને ભીડભાડવાળી જગ્યાએ લઈ જવાનું ટાળવું જોઈએ. ભીડભાડ વાળા વિસ્તારોમાં જતી વખતે માસ્કનો અવશ્ય ઉપયોગ કરો. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આયુર્વેદિક ઉકાળાનું સેવન હિતાવહ છે. લક્ષણો જણાય તો ઘરગથ્થુ ઉપચારને બદલે તુરંત નિષ્ણાત ડોક્ટરની સલાહ લો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સ્વચ્છ અને ઉકાળેલું પાણી પીવાનો આગ્રહ રાખો. બહારનો ખુલ્લો ખોરાક ખાવાનું ટાળો. હાથ વારંવાર સાબુથી ધોવાની આદત કેળવો. બદલાતા હવામાનમાં સાવચેતી જ સૌથી મોટી સુરક્ષા છે. સામાન્ય શરદી-તાવને હળવાશથી ન લેતા તબીબી તપાસ કરાવવી હિતાવહ છે.

Most Popular

To Top