SURAT

હોળીના રંગોમાં માનવતાની સુગંધ

સુરત CP સાથે દિવ્યાંગ બાળકોની અનોખી ઉજવણી

સુરત શહેરમાં હોળીના પર્વે રંગોથી વધુ માનવતા અને લાગણીઓના રંગ છલકાયા. શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા અડાજણ સ્થિત દિવ્યાંગ બાળકો સાથે હોળીની અનોખી ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે બાળકોમાં આનંદ અને ઉત્સાહ છલકાતો જોવા મળ્યો.

કાર્યક્રમ દરમિયાન બાળકોને પિચકારી, રંગ અને હોળી કીટનું વિતરણ કરવામાં આવ્યું. CP અને તેમની ટીમે બાળકોના માથે અને કપાળે તિલક લગાવી તેમને આશીર્વાદ આપ્યા અને હોળીના રંગોમાં રંગાઈ ગયા. આ પ્રસંગ માત્ર ઉજવણી નહોતો, પરંતુ સમાજ પ્રત્યેની જવાબદારી અને સંવેદનાનો સંદેશ આપતો અનોખો ક્ષણ હતો.

દિવ્યાંગ બાળકોને સંબોધિત કરતા CPની ધર્મપત્ની સંધ્યા ગેહલોત ભાવુક બની ગયા. ચાલુ ભાષણ દરમિયાન તેમની આંખો ભીની થઈ ગઈ. તેમણે જણાવ્યું કે, “શા માટે ભાવુક થઈ તે મને ખબર નથી, પરંતુ બાળકો પ્રત્યેની લાગણી અત્યંત ઊંડી છે. આજે ખૂબ જ ગૌરવભેર લાગણી અનુભવું છું.” તેમની લાગણીઓએ સમગ્ર વાતાવરણને સ્પર્શી નાખ્યું.

સુરત પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે પોતાના નિવેદનમાં જણાવ્યું કે, “અમે પણ આ જ સમાજમાંથી આવીએ છીએ. દિવ્યાંગ બાળકોનો હોંસલો વધારવો અમારી ફરજ છે. દિવ્યાંગ બાળકના કારણે પરિવારને અનેક પડકારોનો સામનો કરવો પડે છે, પરંતુ બાળકોમાં કોઈ ખોટ નથી.” તેમણે ઉમેર્યું કે કાયદો અને વ્યવસ્થા જાળવવા સાથે સામાજિક જવાબદારી નિભાવવી પોલીસની નૈતિક ફરજ છે.હોળીના આ પર્વે સુરતમાં માનવતા, સંવેદના અને સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતાનો સુંદર સંદેશ પ્રગટ થયો.

Most Popular

To Top