Trending

ઈરાન-ઈઝરાયલ તણાવના કારણે આજે ત્રીજા દિવસે પણ હવાઈસેવા કયારે શરૂ થશે એ અનિશ્ચિત, 3,000થી વધુ ફ્લાઇટ્સો રદ, લાખો મુસાફરો ફસાયા

ઈરાન પર અમેરિકા અને ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા સૈન્ય હુમલાઓ બાદ મધ્ય પૂર્વમાં તણાવ ઉગ્ર બનતા વૈશ્વિક હવાઈ સેવાઓ પર ગંભીર અસર પડી છે. છેલ્લા કેટલાક દિવસોમાં 3,000થી વધુ ફ્લાઇટ્સ રદ કરાઈ છે, જેના કારણે લાખો મુસાફરો વિવિધ દેશોમાં અટવાઈ ગયા છે. મધ્ય પૂર્વના અનેક મુખ્ય એરપોર્ટ્સ તાત્કાલિક બંધ કરવામાં આવ્યા છે. ખાસ કરીને Dubai International Airport, જેને વિશ્વનું સૌથી વ્યસ્ત આંતરરાષ્ટ્રીય હવાઈ મથક માનવામાં આવે છે, તે સતત ત્રીજા દિવસે પણ બંધ રહ્યું. નિષ્ણાતોના મત મુજબ, કોવિડ-19 બાદ આ સૌથી મોટું હવાઈ સંકટ માનવામાં આવી રહ્યું છે.

રિપોર્ટ મુજબ, એરલાઇન્સ કંપનીઓના શેરમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. અમેરિકી રાષ્ટ્રપતિએ સંકેત આપ્યો છે કે સૈન્ય કાર્યવાહી 4થી 5 અઠવાડિયા સુધી ચાલી શકે છે, જેના કારણે હવાઈ મુસાફરીમાં અનિશ્ચિતતા વધતી જઈ રહી છે. મધ્ય પૂર્વના હવાઈ માર્ગો બંધ થતાં હજારો આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર અસર પડી છે. ઘણી વિદેશી એરલાઇન્સે તેમની સેવાઓ અસ્થાયી રીતે સ્થગિત કરી દીધી છે. સોમવાર સવાર સુધીમાં 1,239 ફ્લાઇટ્સ રદ થઈ ચૂકી હતી. દુબઈની Emirates, અબુ ધાબીની Etihad Airways અને દોહાની Qatar Airways સહિતની મોટી એરલાઇન્સે મળીને સેંકડો ફ્લાઇટ્સ રદ કરી છે. ફ્લાઇટ ટ્રેકિંગ પ્લેટફોર્મ મુજબ, શનિવારે અંદાજે 2,800 ફ્લાઇટ્સ અને રવિવારે 3,156 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. પશ્ચિમ એશિયાના સંકટ વચ્ચે એર ઇન્ડિયાએ 50 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરી હતી. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા હવાઈ યાત્રીઓએ મુસાફરી પહેલાં એરલાઇન્સ સાથે પુષ્ટિ કરવાની સલાહ આપવામાં આવી રહી છે.

ઉડ્ડયન અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે વિસ્તૃત સુરક્ષા મૂલ્યાંકન પૂર્ણ થયા પછી અને પ્રાદેશિક હવાઈ ક્ષેત્રને જયારે સલામતીની ખાતરી થશે ત્યારે જ ફ્લાઇટ સેવાઓ તબક્કાવાર રીતે ફરી શરૂ કરવામાં આવશે. General Civil Aviation Authority (GCAA) એ જણાવ્યું છે કે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એરપોર્ટ્સ અને એરલાઇન્સ સાથે સતત સંકલન કરવામાં આવી રહ્યું છે. સમયપત્રકને પુનઃગોઠવવા, કટોકટી પ્રતિભાવ યોજનાઓ અમલમાં મૂકવા અને પરિસ્થિતિ સામાન્ય બનતા કામગીરીને સરળતાથી પુનઃસ્થાપિત કરવા માટે નજીકથી કામગીરી ચાલી રહી છે. અધિકારીઓએ ઉમેર્યું કે મુસાફરોની સલામતી સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને સ્થિરતા આવ્યા બાદ જ નિયમિત કામગીરી તરફ વળાશે. એટલે હાલ એરલાઇન્સ સેવા સામાન્ય થાય ત્યાં સુધી રાહ જોવી પડશે.

તણાવને પગલે અનેક આંતરરાષ્ટ્રીય એરલાઇન્સે મધ્ય પૂર્વ માટેની પોતાની ફ્લાઇટ્સ અસ્થાયી રીતે રોકી દીધી હોવાથી મુસાફરોને અસુવિધા ન થાય તે માટે સંપૂર્ણ રિફંડ, ક્રેડિટ શેલ અને વિના શુલ્ક તારીખ બદલવાની સુવિધા જાહેર કરવામાં આવી છે. IndiGo એ જણાવ્યું છે કે સુરક્ષાને પ્રાથમિકતા આપતાં કેટલીક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું સસ્પેન્શન લંબાવવામાં આવ્યું છે. 28 ફેબ્રુઆરી 2026 સુધી બુકિંગ કરાવનાર મુસાફરો 7 માર્ચ 2026 સુધીની મુસાફરી માટે કોઈ વધારાના શુલ્ક વિના તારીખ બદલી શકે છે અથવા ક્રેડિટ શેલ લઈ શકે છે. Akasa Air એ 3 માર્ચ 2026ના રોજ જોર્ડન, દોહા, જેદ્દાહ, કુવૈત અને રિયાદ જતી-આવતી તમામ ફ્લાઇટ્સ રદ કરી દીધી છે. 7 માર્ચ 2026 સુધીની બુકિંગ ધરાવતા મુસાફરોને સંપૂર્ણ રિફંડ અથવા મફત રી-શેડ્યૂલનો વિકલ્પ આપવામાં આવ્યો છે. Qatar Airways એ કતારનું એરસ્પેસ બંધ થવાને કારણે પોતાની સેવાઓ તાત્કાલિક સ્થગિત કરી છે. એરસ્પેસ ફરી શરૂ થયા પછી જ ફ્લાઇટ ઓપરેશન શરૂ થશે. તેમ જ Emirates એ 3 માર્ચ બપોરે 3 વાગ્યા (UAE સમય) સુધી દુબઈથી આવતી-જતી તમામ ફ્લાઇટ્સ રદ કરી છે. 5 માર્ચ 2026 સુધીની બુકિંગ ધરાવતા મુસાફરો 20 માર્ચ 2026 સુધીમાં નવી તારીખ પસંદ કરી શકે છે અથવા સંપૂર્ણ રિફંડ મેળવી શકે છે. એરલાઇન્સે તમામ મુસાફરોને એરપોર્ટ જવા પહેલાં પોતાની ફ્લાઇટની સ્થિતિ ચકાસવા અપીલ કરી છે અને જણાવ્યું છે કે મુસાફરોની સુરક્ષા તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

Most Popular

To Top