CCTVથી કિશોર ઝડપાયો, રેલવે પોલીસે કડક કાર્યવાહી કરી
સુરતના ભેસ્તાન રેલવે સ્ટેશન પર ચોંકાવનારી ઘટના સામે આવી છે ,સુરતથી મુંબઈ જતી અદ્યતન અને ઝડપી Vande Bharat Express પર અજાણ્યા શખ્સે પથ્થરમારો કર્યો હતો. પથ્થર સીધો ટ્રેનની ખિડકી પર વાગતા કાચ તૂટી ગયો હતો. સદભાગ્યે, આ બનાવમાં કોઈ મુસાફરને ઈજા પહોંચી નહોતી, પરંતુ ઘટનાએ રેલવે તંત્રને ચિંતિત કરી દીધું હતું.
સમગ્ર ઘટના સ્ટેશન પર લગાવવામાં આવેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. દૃશ્યોના આધારે Railway Protection Force અને રેલવે પોલીસની ટીમે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. છેલ્લા બે દિવસથી ભેસ્તાન વિસ્તારમાં ખાસ વોચ ગોઠવવામાં આવી હતી અને શંકાસ્પદ હલચલ પર નજર રાખવામાં આવી રહી હતી.
વહેલી સવારથી જ પોલીસ ટીમે સ્ટેશન અને આસપાસના વિસ્તારમાં સતર્કતા વધારી હતી. CCTV ફૂટેજ અને સ્થાનિક માહિતીના આધારે પથ્થરમારો કરનાર કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળ કિશોરને ઝડપી પાડવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન કિશોરે પોતાનો ગુનો કબૂલ કર્યો હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે આવા કૃત્યો મુસાફરોની સુરક્ષા માટે ગંભીર જોખમ ઊભું કરે છે. વંદે ભારત જેવી અદ્યતન ટ્રેન પર પથ્થરમારો માત્ર સંપત્તિનું નુકસાન નથી, પરંતુ અનેક મુસાફરોના જીવને પણ જોખમમાં મૂકે છે. આરોપી કિશોર સામે કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આગળની તપાસ ચાલુ છે.
આ બનાવે ફરી એકવાર જાહેર સંપત્તિની સુરક્ષા અને જાગૃતિ અંગે પ્રશ્નો ઊભા કર્યા છે. પોલીસએ નાગરિકોને અપીલ કરી છે કે આવી શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તરત જ માહિતી આપે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવી શકાય.