ચંદ્ર ઉદય પૂર્વે જ ગ્રહણ પૂર્ણ થતું હોવાથી મંદિરોના દ્વાર દર્શન માટે ખુલ્લા રહેશે; જ્યોતિષીઓના મતે રાશિ મુજબ પ્રભાવ જોવા મળશે
વડોદરા: આગામી ફાગણ સુદ પૂનમને મંગળવાર, 3 માર્ચના રોજ ખગ્રાસ ચંદ્રગ્રહણ યોજાવા જઈ રહ્યું છે. જોકે, આ વખતે ખગોળીય ઘટનાની સાથે એક વિશેષ ધાર્મિક રાહત પણ જોવા મળી રહી છે. જ્યોતિષીઓ અને પંચાંગના અભ્યાસુઓના જણાવ્યા અનુસાર, વડોદરા સહિત ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આ ગ્રહણ ધાર્મિક દ્રષ્ટિએ પાળવાની જરૂર રહેશે નહીં.
ભારતીય સમય અનુસાર, આ ચંદ્રગ્રહણ બપોરે 2:14 કલાકે શરૂ થશે અને સાંજે 6:47 કલાકે પૂર્ણ થશે. મુંબઈ જેવા શહેરોમાં ચંદ્ર ઉદય સાંજે 6:45 કલાકે હોવાથી ત્યાં આંશિક અસર વર્તાઈ શકે છે, પરંતુ વડોદરા શહેરમાં ચંદ્ર ઉદય સાંજે 6:47 પછી થતો હોવાથી ગ્રહણ મોક્ષ થયા બાદ જ ચંદ્ર દેખાશે. આથી, શાસ્ત્રોક્ત રીતે આ ગ્રહણ આ વિસ્તારોમાં પળાય તેવું ગણાશે નહીં.
સામાન્ય રીતે ગ્રહણ સમયે મંદિરોના દ્વાર બંધ રાખવામાં આવતા હોય છે અને સુતક પળાય છે. પરંતુ આ વખતે ચંદ્ર ઉદય પહેલા જ ગ્રહણ સમાપ્ત થઈ જતું હોવાથી વડોદરાના જાણીતા મંદિરોમાં દર્શનનો ક્રમ યથાવત રહેશે. ભક્તો કોઈપણ જાતના સુતક વગર ભગવાનના દર્શન કરી શકશે. જોકે, કેટલાક સંસ્થાન દ્વારા સાવચેતીના ભાગરૂપે ધાર્મિક મર્યાદા જાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
– જ્યોતિષ પ્રદીપ પંડ્યા ની ખાસ સલાહ…
“વડોદરામાં સાંજે ગ્રહણ પૂર્ણ થયા બાદ ચંદ્ર ઉદય થવાનો હોવાથી, અત્રે દાન-પુણ્ય કે સૂતકની ધાર્મિક અસરો લાગુ પડશે નહીં. જ્યોતિષી પ્રદીપ પંડ્યાના જણાવ્યા અનુસાર, ગ્રહણની માનસિક અસરો ત્રણ મહિના સુધી રહેતી હોય છે, તેથી નબળી રાશિ ધરાવતા લોકોએ મહત્વના નિર્ણયો લેતી વખતે સાવચેતી રાખવી હિતાવહ છે.”
– જ્યોતિષ ના મતે રાશિઓ પર અસર...
મેષ:- વિદ્યા અભ્યાસમાં ધ્યાન આપવું, સંતાનોની ચિંતા રહે.
વૃષભ:- શારીરિક પીડાની શક્યતા, આરોગ્યનું ધ્યાન રાખવું.
મિથુન:- ધનલાભ અને પ્રગતિના યોગ.
કર્ક:- આર્થિક નુકસાનથી બચવું.
સિંહ:- ગેસ, કબજિયાત અને પાચનતંત્રની બીમારીથી સાવધ રહેવું.
કન્યા:- આરોગ્યનું ધ્યાન રાખવું, બચતમાં વધારો થશે.
તુલા:- પ્રગતિ, સફળતા અને આર્થિક લાભ મળે.
વૃશ્ચિક:- કાર્ય સિદ્ધિ થાય, વેપારમાં ધ્યાન આપવું.
ધનુ:- માનસિક અશાંતિનો અનુભવ થઈ શકે.
મકર:- વાહન ધીમે ચલાવવું, અકસ્માતથી સાવધ રહેવું.
કુંભ:- ભાગીદારીના વેપારમાં ધ્યાન રાખવું, પારિવારિક ઝઘડા ટાળવા.
મીન:- શત્રુઓથી સાવધાન રહેવું.