Vadodara

વડોદરા: ઉનાળા પહેલા જ તંત્રએ પાણીની લાઈનોમાં લિકેજના ‘થીગડા’ મારવાનું છોડ્યું ?

શું આ જ છે સ્માર્ટ સિટી ? વોર્ડ નંબર 12માં આવેલ ઝૂલતા પુલ પાસે પીવાનું શુદ્ધ પાણી ગટરમાં વહી રહ્યું છે, જવાબદાર કોણ ?

(પ્રતિનિધિ), વડોદરા. તા.25

વડોદરાના વોર્ડ નંબર 12 માં ઝૂલતા પુલ પાસે સર્જાયેલી આ ગંભીર સમસ્યા ખરેખર ચિંતાજનક છે. ઉનાળાની દસ્તક પહેલા જ જ્યારે ગળું સુકાવાની ચિંતા હોય, ત્યારે આ રીતે હજારો લીટર શુદ્ધ પાણી ગટરમાં વહી જાય તે પાલિકાની ઘોર બેદરકારી જ ગણાય. એક બાજુ ‘જળ એ જ જીવન’ ના સૂત્રો, બીજી બાજુ ગટરમાં વહેતું હજારો લિટર પીવાનું શુદ્ધ પાણી અને તંત્ર જાણે કુંભકર્ણની નિદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે. ઉનાળો માથે છે, શહેરીજનો પાણીના ટીપે-ટીપા માટે તરસશે, ત્યારે અત્યારથી જ આ પ્રકારે પાણીનો વેડફાટ આગામી સમયમાં મોટી પાણીની અછત તરફ ઈશારો કરે છે. વારંવાર એક જ જગ્યાએ કે વિવિધ વિસ્તારોમાં લીકેજ થવા છતાં તેનું કાયમી નિરાકરણ લાવવાને બદલે માત્ર થીગડા મારવાનું કામ કેમ કરવામાં આવે છે ? જનતા પાસેથી પાણી વેરો વસૂલવામાં આવે છે, પરંતુ તે જ પાણી જ્યારે ગટરમાં વહે છે ત્યારે જવાબદાર અધિકારીઓ કેમ મૌન સેવી રહ્યા છે ? પાલિકાની ગંભીર બેદરકારી અને નિષ્કાળજીને કારણે અનેક સવાલો ઉભા થાય છે. શું પાલિકા તંત્ર ઉનાળામાં પાણીની તંગી સર્જાય તેની રાહ જોઈ રહ્યું છે ? ગટરમાં વહી રહેલા હજારો લીટર શુદ્ધ પાણીના નુકસાનની જવાબદારી કોની ? શા માટે લીકેજની ફરિયાદો છતાં તાત્કાલિક ધોરણે યુદ્ધના ધોરણે સમારકામ કરવામાં આવતું નથી ? વડોદરા મહાનગરપાલિકાએ આ બાબતે તાત્કાલિક ધ્યાન દોરવું જોઈએ. ઝૂલતા પુલ પાસેના આ લીકેજનું કાયમી સમારકામ કરી વહેતું પાણી અટકાવવું એ માત્ર વહીવટી જરૂરિયાત નથી, પણ નૈતિક ફરજ પણ છે. જો અત્યારે આ વેડફાટ નહીં અટકે, તો ઉનાળામાં વડોદરાવાસીઓએ ટીપે-ટીપા માટે વલખાં મારવા પડશે.

Most Popular

To Top