Charchapatra

ગલગોટિયા  યુનિવર્સિટી

આપણા દેશમાં પ્રાઇવેટ યુનિવર્સિટીની સંખ્યા ખૂબ જ ઝડપથી વધી રહી છે. ખાનગી વિશ્વવિદ્યાલયો સામે અવરનવર વિશ્વસનીયતાના  પ્રશ્નો ઊભા થતા રહે છે. એઆઈ સમિટ કે જેને માટે આપણે ગૌરવ લઈ શકીએ એમ છે ત્યારે સોનાની થાળીમાં લોઢાની મેખની જેમ ગલગોટીયા યુનિવર્સિટીને કારણે આપણા દેશે નામોશી વહોરવી પડી છે. અપવાદરૂપ ખાનગી યુનિવર્સિટીઓને બાદ કરતાં નફાના હેતુથી ખાનગી યુનિવર્સિટીઓ કાર્યરત હોય છે. તાજેતરમાં યુજીસી એ ભારતમાં 32 જેટલી યુનિવર્સિટીઓ નકલી જાહેર કરી છે.

એમના દ્વારા એનાયત થયેલી ડિગ્રી અમાન્ય થાય છે. ગલગોટિયા યુનિવર્સિટી પોતે જ જ્યારે એઆઈ સમિટમાં ચીને બનાવેલા રોબો ડોગને પોતે બનાવ્યો છે એવું જાહેર કરે છે ત્યારે આવી યુનિવર્સિટીમાંથી તૈયાર થયેલા વિદ્યાર્થીઓ કેવા તૈયાર થશે તે વિચારવું રહ્યું. આ યુનીવર્સિટીની સમગ્ર ભારતમાં ખૂબ જ ટીકા થઈ અને એને એઆઈ સમિટમાંથી કાઢી મૂકવામાં આવી હતી. આપણે ત્યાં તો છીંડે પકડાયો ચોર  આવા જ  ગફલા બીજી યુનિવર્સિટીમાં નહીં ચાલતા હોય એમ માનવાને કોઈ કારણ નથી.

જે વિશ્વવિદ્યાલયોમાં  ભારતનું ભાવી ઘડાતું હોય ત્યાં જ આવી શરમજનક ઘટના બને એ દેશને માટે શરમની વાત છે. વિદેશની તમામ યુનિવર્સિટીઓમાં તપાસ કરીને ભારતના ઉચ્ચ શિક્ષણ મેળવતા યુવા વર્ગનું ભાવિ અંધકારમય બની નહીં જાય તે જોવાની જવાબદારી સરકારની છે. જો ભારત દેશનું ભાવી ઉજ્જવળ બનાવવું હોય તો સરકારે શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. આવા બનાવ પછી યુજીસી અને સરકાર  સતત એકશન મોડ પર રહે તે ખૂબ જ જરૂરી છે.
નવસારી – ડૉ. જે.  એમ. નાયક- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top