સુરત શહેરમાં બાળકો ઉઠાવવાની અફવાઓ વચ્ચે અડાજણ પોલીસ એક્શનમાં આવી છે. Adajan Police Station દ્વારા સ્કૂલ વાન ચાલકો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી , જેમાં બાળકોની સુરક્ષા મુદ્દે સ્પષ્ટ અને કડક માર્ગદર્શન આપવામાં આવ્યું.આ બેઠકમાં શહેરની 17 જેટલી શાળાઓના વાન સંચાલકો અને ડ્રાઈવરો હાજર રહ્યા. પોલીસ અધિકારીઓએ વાન ચાલકોને સમજાવ્યું કે બાળકોની સલામતી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. સ્કૂલથી ઘર અને ઘરથી સ્કૂલ સુધીની દરેક સફર સુરક્ષિત રહે તે માટે નિયમોનું કડક પાલન કરવું જરૂરી છે.

બેઠક દરમિયાન વાનમાં જરૂરી દસ્તાવેજો, ડ્રાઈવરની ઓળખ, વાનની ફિટનેસ, ઓવરલોડિંગ ટાળવા તેમજ અજાણ્યા વ્યક્તિઓને બાળકોની નજીક ન આવવા દેવા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી.પોલીસએ સ્પષ્ટ કર્યું કે કોઈ પણ બેદરકારી સહન કરવામાં આવશે નહીં. હાલમાં શહેરમાં બાળકો ઉઠાવવાની અફવાઓ ફેલાઈ રહી છે, જેને કારણે વાલીઓમાં ભયનો માહોલ છે. પોલીસે અપીલ કરી કે અફવાઓ પર વિશ્વાસ ન કરો અને કોઈ શંકાસ્પદ હલચલ દેખાય તો તરત જ પોલીસને જાણ કરો. સોશિયલ મીડિયા પર અપ્રમાણિત સંદેશા ફેલાવવાથી ગેરસમજ ઊભી થાય છે, તેથી જવાબદારીપૂર્વક વર્તવું જરૂરી છે.
વાલીઓ અને બાળકોમાં જાગૃતિ લાવવા માટે પોલીસ દ્વારા આ પહેલ કરવામાં આવી છે. સુરક્ષા નિયમોનું પાલન, સાવચેતી અને સહકારથી જ બાળકોની મુસાફરી સુરક્ષિત બની શકે છે.અડાજણ પોલીસનો સંદેશ સ્પષ્ટ છે “બાળકોની સુરક્ષા મુદ્દે કોઈ લાપરવાહી નહીં, કડક કાર્યવાહી જરૂર થશે!”