કોને અને કયા કામ માટે ચુકવણી થઈ તેની કોઈ સ્પષ્ટતા નહીં, કમિશનરના ખાતામાંથી થયેલી સીધી ચુકવણી શંકાના ઘેરામાં
વડોદરા: વડોદરામાં ગત 28 ઓક્ટોબર 2024ના રોજ વડાપ્રધાનના રોડ શો અને કાર્યક્રમો દરમિયાન સુરક્ષા પાછળ થતા ખર્ચ વચ્ચે એક નવો વિવાદ જન્મી રહ્યો છે. પીએમ રૂટ પર ‘મીડિયા મેનેજમેન્ટ’ કરવાના બહાને સરકારી તિજોરીમાંથી ₹1.76 કરોડનો જંગી ખર્ચ કરવામાં આવ્યો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. નવાઈની વાત એ છે કે, આટલી મોટી રકમ કયા કામ માટે અને કઈ એજન્સીને ચૂકવવામાં આવી તેની કોઈ જ સત્તાવાર વિગત જાહેર કરવામાં આવી નથી.

મળતી માહિતી મુજબ, વડાપ્રધાનના પ્રવાસને ધ્યાનમાં રાખીને વડોદરા મ્યુનિસિપલ કમિશનરના ખાતામાંથી આ રકમની ચુકવણી કરવામાં આવી છે. બિલ અને વાઉચર મુજબ, તેમાં માત્ર ‘મીડિયા મેનેજમેન્ટ’ એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે સરકારી નાણાંની ચુકવણી જે-તે એજન્સી કે સંસ્થાના નામે થતી હોય છે, પરંતુ આ કિસ્સામાં કોઈ ચોક્કસ મીડિયા હાઉસ કે એજન્સીના નામનો ઉલ્લેખ ન હોવાથી અનેક સવાલો ઊભા થયા છે.

વિપક્ષો અને જાગૃત નાગરિકોમાં એવી ચર્ચા છે કે, જ્યારે વડાપ્રધાનનો કાર્યક્રમ સરકારી હોય અને તમામ માહિતી માહિતી વિભાગ દ્વારા પૂરી પાડવામાં આવતી હોય, ત્યારે વધારાના ₹1.76 કરોડ કયા પ્રકારના મેનેજમેન્ટ માટે ખર્ચાયા? શું આ રકમ પ્રસિદ્ધિ માટે હતી કે અન્ય કોઈ છૂપા ખર્ચને છુપાવવા માટે ‘મીડિયા મેનેજમેન્ટ’નું લેબલ લગાડવામાં આવ્યું છે? હાલમાં આ બિલના વાઉચરો વહેતા થતા સમગ્ર વહીવટી તંત્રમાં ફફડાટ વ્યાપી ગયો છે.
વડાપ્રધાનના 28 ઓક્ટોબરના રૂટ વ્યવસ્થાના વાઉચરમાં ₹1,76,00,000ની રકમ સ્પષ્ટ દેખાય છે, પરંતુ આ રકમનો ખરો લાભાર્થી કોણ છે તે એક રહસ્ય છે. સરકારી ચોપડે નોંધાયેલા આ ખર્ચમાં કોઈ એજન્સીનું નામ ન હોવું એ વહીવટી ક્ષતિ છે કે પછી જાણીજોઈને કરવામાં આવેલી ગોઠવણ? કમિશનરના એકાઉન્ટમાંથી આટલી માતબર રકમ રીલીઝ થતા હવે આ મામલે ઉચ્ચસ્તરીય તપાસની માંગ ઉઠી રહી છે.