ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ ચાલુ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ખાનગી એરલાઈન IndiGoએ પોતાની ફ્લાઇટ્સો રદ કરવાની તારીખ હવે 28 માર્ચ સુધી લંબાવી છે. અગાઉ આ સેવાઓ ફેબ્રુઆરીના અંત સુધી સ્થગિત રાખવાનો નિર્ણય લેવાયો હતો, પરંતુ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેને વધુ એક મહિના માટે વધારવામાં આવી છે. ઇન્ડિગો અને એર ઈન્ડિયાએ ઇરાની હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું છે અને તેમની લાંબા અંતરની ફ્લાઇટ્સ માટે વૈકલ્પિક રૂટ પર ઉડાન ભરી રહ્યા છે. એરલાઈનના સત્તાવાર નિવેદન મુજબ મુસાફરો અને ક્રૂ સભ્યોની સલામતીને પ્રાથમિકતા આપતા આ પગલું ભરવામાં આવ્યું છે. પશ્ચિમ એશિયાના હવાઈ ક્ષેત્રમાં ઊભી થયેલી અનિશ્ચિત પરિસ્થિતિ અને કેટલાક માર્ગો પર ઉડાન માટે વિકલ્પિક રૂટ અપનાવવાની મજબૂરીને કારણે ઓપરેશનલ પડકારો ઉભા થયા છે. લાંબા રૂટ અને વધતા ઉડાન સમયને કારણે સમયપાલન અને ખર્ચ બંને પર અસર પડી રહી છે. આંતરરાષ્ટ્રીય હવાઈ ક્ષેત્રમાં ચાલી રહેલી ભૂરાજકીય અનિશ્ચિતતા અને એરસ્પેસ મર્યાદાઓના કારણે ઘણી એરલાઈન્સ પોતાના રૂટ્સમાં ફેરફાર કરી રહી છે. આવી સ્થિતિ લાંબી ચાલે તો અન્ય રૂટ્સ પર પણ અસર થવાની શક્યતા નકારી શકાય નહીં. હાલ માટે એરલાઈન પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને સુરક્ષા દ્રષ્ટિએ યોગ્ય ગણાશે ત્યારે જ સેવાઓ ફરી શરૂ કરવામાં આવશે. મુસાફરોને અનાવશ્યક ગભરાટથી દૂર રહી સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.
રદ થયેલી ફ્લાઇટ્સમાં જ્યોર્જિયાની રાજધાની તિબ્લિસી, કઝાકિસ્તાનનું અલ્માટી, અઝરબૈજાનનું બાકુ અને ઉઝ્બેકિસ્તાનનું તાશ્કંદ સામેલ છે. આ રૂટ્સ પર છેલ્લા કેટલાક સમયમાં ભારતીય પ્રવાસીઓ અને બિઝનેસ મુસાફરોની સંખ્યા નોંધપાત્ર રીતે વધી હતી. હવે અચાનક લંબાયેલા આ રદ નિર્ણયથી મુસાફરોને પોતાની મુસાફરી યોજના ફરી ગોઠવવી પડી રહી છે. એરલાઈને અસરગ્રસ્ત મુસાફરોને સંપૂર્ણ રિફંડ અથવા વૈકલ્પિક તારીખે રીબુકિંગનો વિકલ્પ આપ્યો છે. મુસાફરોને પોતાની બુકિંગ વિગતો ઑનલાઇન ચકાસવા અને તાજી માહિતી માટે સત્તાવાર માધ્યમો પર નજર રાખવાની સલાહ આપવામાં આવી છે. ટ્રાવેલ એજન્ટ મારફતે ટિકિટ બુક કરનારોએ સંબંધિત એજન્સી સાથે સંપર્ક સાધવા સૂચના આપવામાં આવી છે.