યુરોપના દેશ સ્વિટ્ઝર્લેન્ડમાં ભારે હિમવર્ષા અને હિમપ્રલયના કારણે ગઈકાલે એક પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી જવાની ગંભીર ઘટના સામે આવી છે. આ અકસ્માત આલ્પ્સ પર્વતમાળાના વિસ્તારમાં આવેલા ગોપેનસ્ટાઇન ગામ નજીક થયો હતો. આ ટ્રેનમાં 80 લોકો સવાર હતા અને ઘણા લોકો ઘાયલ થયા હોવાની આશંકા છે. માહિતી મુજબ, ટ્રેન સવારે પોતાના નિયમિત માર્ગ પર જતી હતી ત્યારે અચાનક પર્વત પરથી બરફનો મોટો ધસારો નીચે સરક્યો. હિમપ્રલયનો અસર સીધો રેલવે ટ્રેક પર પડતા ટ્રેનનો એક કોચ પાટા પરથી ઉતરી ગયો હતો. ઘટનાના સમયે ટ્રેનમાં અંદાજે 30 જેટલા મુસાફરો સવાર હતા. અકસ્માત બાદ સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ત્યારબાદ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા પોલીસ, અગ્નિશામક દળ અને તબીબી ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તેમ જ હેલિકોપ્ટર દ્વારા પણ રાહત અને બચાવ કાર્યમાં મદદ લેવામાં આવી હતી. પ્રાથમિક માહિતી મુજબ પાંચથી વધુ મુસાફરોને ઈજા પહોંચી છે, જેમાંથી એકને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યારે અન્યને સ્થળ પર જ સારવાર આપવામાં આવી હતી. સદનસીબે કોઈના મોતના અહેવાલ મળ્યા નથી.
હવામાન વિભાગે આ વિસ્તારમાં અગાઉથી જ ભારે હિમવર્ષા અને હિમપ્રલય અંગે ઊંચી સ્તરની ચેતવણી જાહેર કરી હતી. છેલ્લા કેટલાક દિવસોથી સતત બરફવર્ષા થતાં પર્વતીય વિસ્તારોમાં જોખમ વધ્યું હતું. નિષ્ણાતોનું માનવું છે કે કુદરતી પરિસ્થિતિઓને કારણે આ અકસ્માત બન્યો હોઈ શકે છે, છતાં ચોક્કસ કારણ જાણવા માટે સત્તાવાર તપાસ શરૂ કરવામાં આવી છે. અકસ્માત બાદ આ માર્ગ પરની ટ્રેન સેવા તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવી છે. મુસાફરોને વૈકલ્પિક વ્યવસ્થા દ્વારા ગંતવ્ય સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરાઈ રહી છે. સ્થાનિક પ્રશાસને લોકોને જરૂરી હોય ત્યારે જ મુસાફરી કરવાની અને હવામાન અંગેની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે. સ્વિટ્ઝર્લેન્ડ તેની સુરક્ષિત અને સમયસર રેલ સેવા માટે વિશ્વભરમાં જાણીતા છે, છતાં કુદરતી આફતો સામે આધુનિક વ્યવસ્થાઓ પણ ક્યારેક નિષ્ફળ સાબિત થાય છે. હાલ સમગ્ર વિસ્તારમાં પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને રાહત કાર્ય પૂર્ણ થયા બાદ જ ટ્રેન સેવા ફરી શરૂ કરવામાં આવશે.