‘અંગત કારણો’ તો માત્ર બહાનું, હકીકતમાં પાર્ટીએ જ રાજીનામા લખાવ્યા હોવાની જોરદાર ચર્ચા; ધારાસભ્ય કેયુર રોકડીયાની ફરિયાદ બાદ હાઈકમાન્ડ લાલઘૂમ
વડોદરા : મહાનગરપાલિકામાં કરોડિયા વિસ્તારના બહુચર્ચિત આકારણી કૌભાંડે રાજકીય મોરચે મોટો ભડકો કર્યો છે. આ કૌભાંડમાં સંગઠનના હોદ્દેદારોની સંડોવણીના સંકેતો મળતા જ શહેર ભાજપ હરકતમાં આવ્યું છે. શિસ્તના આગ્રહી ગણાતા પક્ષે કોઈ પણ જાતની શેહશરમ રાખ્યા વિના વોર્ડ નંબર 8 ના પ્રમુખ વિપુલ બારોટ અને મહામંત્રી વિજય ચાવડા પાસેથી રાજીનામા લખાવી લેતા રાજકીય વર્તુળોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

આ સમગ્ર પ્રકરણની વિગત એવી છે કે, કરોડિયા વિસ્તારમાં અનેક મિલકતોની એન.એ. પ્રક્રિયા પૂર્ણ થયા વગર જ તેની ગેરકાયદેસર રીતે આકારણી કરી દેવામાં આવી હતી. આ ગંભીર ગેરરીતિ અંગે ધારાસભ્ય કેયુર રોકડીયાએ પુરાવા સાથે પાલિકા તંત્ર અને સંગઠનનું ધ્યાન દોર્યું હતું. પક્ષના જ હોદ્દેદારો દ્વારા આર્થિક હિત સાધવા માટે સત્તાનો દુરુપયોગ કરવામાં આવ્યો હોવાની વિગતો પ્રદેશ નેતાગીરી સુધી પહોંચતા હાઈકમાન્ડે કડક વલણ અપનાવ્યું હતું.
ગઈકાલે મોડી સાંજે બંને હોદ્દેદારોએ પોતાના રાજીનામા શહેર પ્રમુખને સોંપી દીધા હતા. શહેર પ્રમુખ જયપ્રકાશ સોનીએ રાજીનામા પાછળ ‘અંગત કારણો’ હોવાનું જણાવ્યું હતું જોકે તેમણે મીડિયાને જણાવ્યું હતું કે તેમના સુધી ફરિયાદો પહોંચી હતી અને સંબંધિત સ્તરે તપાસ ચાલુ છે.
શહેરના રાજકીય ગલિયારાઓમાં ચર્ચાઈ રહ્યું છે કે, આ આકારણી કૌભાંડના છાંટા પક્ષ પર ન ઉડે તે માટે તેમને રાજીનામું આપવા મજબૂર કરવામાં આવ્યા છે. ભ્રષ્ટાચાર સામે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ અપનાવી ભાજપે આ પગલું ભરીને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે કૌભાંડમાં સામેલ ગમે તેટલા મોટા માથાઓને છોડવામાં આવશે નહીં.
– કૌભાંડની ‘આકારણી’ ભારે પડી: સત્તાના જોરે ‘સેટિંગ’ કરનારાઓમાં ફફડાટ
કરોડિયાના આકારણી કૌભાંડમાં જે રીતે ધારાસભ્ય કેયુર રોકડીયાએ પાલિકાનું ધ્યાન દોર્યું અને ત્યારબાદ સીધા જ સંગઠનના હોદ્દેદારોના પત્તાં કપાયા, તેણે વડોદરા ભાજપમાં ખળભળાટ મચાવી દીધો છે. એન.એ. વગરની મિલકતોના દસ્તાવેજોમાં કાગળ પરના ખેલ પાડનારા તત્વો માટે આ રાજીનામા એક ‘ચેતવણી સમાન’ મનાઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, હજુ તો આ માત્ર શરૂઆત છે; આગામી દિવસોમાં પાલિકાના શંકાસ્પદ અધિકારીઓ પર પણ ગાજ પડી શકે તેમ છે.
“રાજીનામામાં અંગત કારણોનો ઉલ્લેખ છે, અમે કોઈની પાસે રાજીનામા માંગ્યા નથી”
”વોર્ડ નં. 8 ના પ્રમુખ વિપુલ બારોટ અને મહામંત્રી વિજય ચાવડાએ સંગઠનના હોદ્દા પરથી સ્વેચ્છાએ રાજીનામા આપ્યા છે. તેમણે પત્રમાં સ્પષ્ટપણે ‘અંગત કારણોસર’ રાજીનામું આપતા હોવાનું જણાવ્યું છે, પાર્ટીએ કોઈના રાજીનામા માંગ્યા નથી. રહી વાત કરોડિયા આકારણી કૌભાંડની, તો આ સમગ્ર પ્રકરણમાં હાલ તપાસ ચાલી રહી છે. જો ભવિષ્યમાં તપાસમાં કોઈ પણ હોદ્દેદારની સંડોવણી સાબિત થશે, તો પાર્ટી ચોક્કસપણે કડક પગલાં લેશે. પરંતુ હાલના તબક્કે આ રાજીનામાને તપાસ સાથે જોડવા યોગ્ય નથી.”
— જે.પી. સોની (પ્રમુખ, વડોદરા શહેર ભાજપ)