પ્રતિનિધિ, વડોદરા | તા. 12
માંજલપુર વિસ્તારમાં બનેલી કરુણ ઘટનામાં ખુલ્લી અને ઊંડી ગટરમાં પડી જવાથી નિવૃત્ત ડીવાયએસપીના પુત્ર વિપુલસિંહ ઝાલાનું દુર્ભાગ્યવશ મોત થયું હતું. માહિતી મુજબ, તેઓ ગાડી પાર્ક કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે રોડ પર બેદરકારીપૂર્વક ખુલ્લી રાખવામાં આવેલી ગટરમાં પડી જતા ગંભીર ઇજા પહોંચી હતી, જે બાદ તેમનું અવસાન થયું હતું.
મૃતકની પત્ની માધવી ઝાલાની ફરિયાદના આધારે માંજલપુર પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન પાલિકાના ઇજારદાર તરીકે કામ કરતી Eco Facilitiesની મેનેજમેન્ટ સંચાલિકા ઉર્મિ રાહુલ શર્માની ધરપકડ કરવામાં આવી હતી.
પરંતુ સમગ્ર મામલે માત્ર ઇજારદાર સામે કાર્યવાહી કરીને પોલીસ અને તંત્ર સંતોષ માની બેઠું હોય તેવી ચર્ચા છે. સ્થાનિકોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે, માર્ગ અને ગટરના કામ માટે જવાબદાર પાલિકાના સુપરવાઇઝર કે સંબંધિત એન્જિનિયર સામે હજી સુધી કોઈ જવાબદારી નક્કી કરવામાં આવી નથી કેમ?
આ ઘટનાએ શહેરમાં નાગરિક સુરક્ષા અને તંત્રની જવાબદારી અંગે ગંભીર ચર્ચા જગાવી છે. ખુલ્લી ગટરો અને બેદરકારીથી થતી દુર્ઘટનાઓ રોકવા માટે કડક પગલાં લેવાની માંગ ઉઠી રહી છે.
હવે નજર એ બાબતે છે કે તપાસ આગળ વધતાં શું પાલિકાના જવાબદાર અધિકારીઓ સામે પણ કાનૂની કાર્યવાહી થશે કે નહીં.