ગાંધીનગર,તા.11
કચ્છના નાના રણ વિસ્તારમાં વન વિભાગ દ્વારા જળ અને જમીન સંરક્ષણ માટે એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ પહેલ અંગે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, શુષ્ક અને અર્ધ-શુષ્ક પરિસ્થિતિ ધરાવતા આ વિસ્તારમાં પાણીનો સંગ્રહ, જમીન ધોવાણ રોકવું અને વન્યજીવો માટે અનુકૂળ આવાસ ઊભું કરવું મુખ્ય હેતુ છે.
વન વિભાગે આપેલી માહિતી મુજબ આશરે એક કિલોમીટર વિસ્તારમાં ત્રણ વિશેષ પ્રકારના પાળા (ચેક-બન્ડ જેવી રચનાઓ) તૈયાર કરવામાં આવી રહ્યા છે. આગામી સમયમાં તેમાં વધારો કરવાની પણ યોજના છે. આ કામગીરીથી ચોમાસામાં વહી જતું અંદાજે ૧.૩૫ કરોડ લિટર વરસાદી પાણી સંગ્રહિત થશે. આ પાણી શિયાળા સુધી વન્યપ્રાણીઓને ઉપલબ્ધ રહેશે અને આવતા બે-ત્રણ વર્ષમાં તે પીવાલાયક સ્તરે સ્થિર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
પ્રોજેક્ટનો ઉદ્દેશ માત્ર પાણી સંગ્રહ પૂરતો મર્યાદિત નથી. માટીમાં ભેજ વધવાથી જમીનની ગુણવત્તામાં સુધારો થશે અને સ્થાનિક ઘાસ તથા વનસ્પતિનો વિકાસ પ્રોત્સાહિત થશે. પરિણામે તૃણહારી પ્રાણીઓ માટે ચારો વધશે અને સમગ્ર ખોરાક શ્રૃંખલાને લાભ મળશે. તળાવો અને જળાશયો વન્યજીવો તેમજ સ્થાનિક અને પ્રવાસી પક્ષીઓ માટે આવાસરૂપ બની શકે તેવી અપેક્ષા છે. તળાવની વચ્ચે બનાવવામાં આવેલા ટેકરા પક્ષી અને પ્રાણીઓ માટે સુરક્ષિત વિશ્રામસ્થાન તરીકે કાર્ય કરશે.
વૈજ્ઞાનિક અભિગમથી બનાવવામાં આવેલા આ પાળા જમીન ધોવાણ ઘટાડવામાં મદદરૂપ બનશે અને રણ વિસ્તારમાં ભેજનું સંતુલન જાળવી શકશે. હવામાન પરિવર્તનના પડકારોને ધ્યાનમાં રાખતા આ પ્રકારની કામગીરી લાંબા ગાળે જૈવ વૈવિધ્ય અને પર્યાવરણીય સ્થિરતા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.આ પહેલથી નાના રણ વિસ્તારમાં કુદરતી સંસાધનોનું સંવર્ધન થવાની સાથે પર્યાવરણમૈત્રી પ્રવાસન માટે પણ નવી સંભાવનાઓ ઉભી થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.