Business

ભારતીય ઑટોમોબાઇલ ક્ષેત્રે મારુતિ સુઝુકી અને ટોયેટા પોતાના ઇલેક્ટ્રિકલ વ્હીકલના માર્કેટિંગમાં આક્રમક બની શકે છે

તાજેતરમાં માધ્યમોમાં આવેલા સમાચારો મુજબ જાપાનીઝ કંપની સૂઝુકી કુલ ૩.૮૫ અબજ ડૉલર (૩૫,૦૦૦ કરોડ રૂપિયા)ના રોકાણથી ગુજરાત ખાતે પોતાનું એકમ સ્થાપી રહી છે, જેની વાર્ષિક ઉત્પાદનક્ષમતા ૧૦ લાખ યુનિટ જેટલી અંદાજવામાં આવી છે. આવી જ બીજી એક જાહેરાત થકી ટોયેટા કંપનીએ શહેરી વિસ્તારોમાંથી પોતાની ઇલેક્ટ્રિક કાર ‘ઇબેલા’ લૉન્ચ કરી છે. ટોયેટા કંપનીનો ઇરાદો આ થકી ભારત, જે દુનિયાનું ત્રીજા નંબરનું મોટામાં મોટું ઑટોમોબાઇલ્સ માર્કેટ છે અને જેમાં વર્તમાન સ્થિતિએ ટોયેટા પાંચમા ક્રમે છે તે સુધારવાનો હોય તેમ જણાય છે.

આમ, જાપાનની બે મુખ્ય ઓટોમોબાઇલ કંપનીઓ ટોયેટા અને સુઝૂકી ભારતીય બજારમાં વધુ આક્રમકતાથી કામ કરતી દેખાશે. આ બંને કંપનીઓ છેલ્લા કેટલાક દાયકાઓથી ભારતમાં કાર્યરત છે અને એ રીતે ભારતની ઑટો માર્કેટથી સુપેરે સુવિદિત છે. ભારતીય બજારમાં ઓટો મોબાઇલ ક્ષેત્રે માંગ વધશે પણ તેની સાથોસાથ સ્પર્ધા પણ વધતી રહેવાની. આ સ્પર્ધામાં બંને જાપાની કંપનીઓને જે મુખ્ય સ્પર્ધકનો સામનો કરવાનો છે તે તાતા મોટર્સ છે. ત્યાર બાદ અન્ય વિદેશી કંપનીઓ જેવી કે, હુંડાઈ અને એમજી જેવાં ખેલાડીઓ પણ ભારતીય બજારમાં પોતાનો હિસ્સો વિસ્તારવા માટે આક્રમકતાથી કાર્યરત છે.

આમાંની માંગનો એક હિસ્સો ઇલેક્ટ્રિકલ વ્હીકલ દ્વારા સંતોષાશે, જેમાં અત્યારે વૈશ્વિક કક્ષાએ ટેસ્લાને પાછળ રાખીને ચીનની બીવાયડી કંપની આગળ નીકળી છે. આ વ્હીકલ બે કેટેગરીમાં ઉપલબ્ધ છે, જેમાંની પહેલી કેટેગરી પૂરેપૂરું ચાર્જિંગ કર્યા બાદ ૫૪૬ કિ.મી.નું અંતર કાપી શકે છે. ટોયેટા કંપનીએ આ એસયુવી માટેનું બુકિંગ તાત્કાલિક અસરથી ખોલી નાખ્યું છે, પણ તેની કિંમત અને ડીલીવરીની તારીખ બાબતે હજુ કોઈ સ્પષ્ટતા ઉપલબ્ધ નથી. સુઝૂકીનું પહેલું ઇલેક્ટ્રિક વ્હીકલ, ‘ઈ વીતારા’ ભારતીય બજારમાં ગઈ સાલ મુકાયું એ જ પ્લેટફોર્મ ટોયેટાનો ઇબેલા વાપરવાનો છે. આ પહેલી વાર છે કે જ્યારે આ બંને કંપનીઓ ઈવી માટે સહયોગ કરી રહી છે.

આમ, ‘ઈ વીતારા’ કરતાં ‘ટોયેટા ઈબેલા’નાના મોટા ફીચર અને આઉટ લુકમાં થોડા ઘણા ફેરફારો ધરાવતું હોઈ શકે છે. તે ઉપરાંત ટોયેટાનું પ્રભુત્વ આફ્ટર સેલ સર્વિસ માટે પણ છે, જે એના મજબૂત પાસાંનો ઉપયોગ ‘ઇબેલા’ના માર્કેટિંગ માટે પણ કરશે. આ ઉપરાંત કંપની આઠ વર્ષ માટેની વૉરન્ટી અને દેશમાં ૫૦૦ જેટલા ઇલેક્ટ્રિકલ વ્હીકલ સર્વિસ સેન્ટરનું નેટવર્ક પણ પોતાની પ્રોડક્ટના ટેકામાં રજૂ કરે છે.

ટોયેટા, જીઓ-બીપી અને ચાર્જ ઝોનના સહકારમાં ચાર્જિંગ સવલતો ઉપલબ્ધ કરાવશે. અગાઉ જણાવ્યું તેમ ભારતીય ઑટોમોબાઇલ ઉત્પાદકોમાં ટોયેટા પાંચમા નંબરની મોટી કંપની છે ને એની હરીફાઈ ટાટા મોટર્સ, એમજી મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને હુંડાઈ જેવી કંપનીઓ સાથે રહેશે. ભારતીય બજારમાં ૨૦૧૯માં પેસેન્જર્સ વ્હીકલ્સના કુલ વેચાણમાં ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સનો ફાળો નગણ્ય એવો ૦.૧ ટકા હતો, જે ૨૦૨૫માં ઝડપથી વધીને ૪.૬ ટકા થવા પામ્યો હતો. જાતો ડાયનેમિક્સ દ્વારા ભારતીય ઑટો મોબાઇલ માર્કેટમાં ઇલેક્ટ્રિકલ વ્હીકલનું વેચાણ અંગેની વિગતમાં જોઈ શકાશે.

 ભારતીય ઑટોમોબાઇલ બજારમાં ઇલેક્ટ્રિકલ વ્હીકલ હજુ પ્રવેશ કરી રહ્યું છે એનું મુખ્ય કારણ ચાર્જીંગ અને સર્વિસીંગ સવલતો પાંખી હોવાનું જણાવાય છે. આમ, ટોયેટા અને સુઝુકી બંને માટે પ્રમાણમાં બજારમાં મોડા દાખલ થયાં હોવા છતાં આવનાર સમયમાં જો તેઓ ચાર્જિંગ અને સર્વિસીંગ નેટવર્ક વધુ અસરકારક રીતે ઊભું કરી શકે તો ઝડપથી પ્રગતિ કરવાનું નિર્માણ થશે. ટોયેટા અત્યારે યુરોપિયન માર્કેટમાં પણ નિકાસ કરી રહી છે અને પ્લેટફોર્મ બાબતે ટોયેટા તેમાં સુઝુકી વચ્ચેના સહયોગથી મારુતિ પોતાને પક્ષે ઉત્પાદનનું કદ, ડિસ્ટ્રીબ્યૂશન અને કોસ્ટ એફિશિયન્સી જ્યારે ટોયેટા ટેકનોલૉજી, ક્વૉલિટી સિસ્ટમ, ગ્લોબલ ઇલેક્ટ્રિકલ વ્હીકલ જાણકારી – એમ બંનેનો સહયોગ થતાં એમની સ્પર્ધાત્મકતા વધશે.

ટોયેટાનો પ્લાન્ટ કર્ણાટકા ખાતે આવેલો છે. તેને ૭૦ અબજ (૭૭ કરોડ ડૉલર)ના ખર્ચે વિસ્તારી રહી છે. એ ઉપરાંત આ કંપની મહારાષ્ટ્રમાં પણ ૨૦૦ અબજ રૂપિયાના રોકાણ સાથે પ્લાન્ટ શરૂ કરવાના આયોજન સાથે બેઠી છે. મારૂતિ સુઝુકી એના ગુજરાત પ્લાન્ટમાં અગાઉ જણાવ્યું તેમ ૩૫,૦૦૦ કરોડ રૂપિયા જેટલું રોકાણ કરવાની છે. આમ, આવનારા વર્ષોમાં ઇલેક્ટ્રિકલ વ્હીકલના ક્ષેત્રે હાલનો ૪.૬ ટકાનો બજાર હિસ્સો વધીને ૧૦ ટકા પાર કરી જાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.
       – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top