Vadodara

અકોટા વિસ્તારમાં રહેણાક મકાનમાં પીસીબીની રેડ

રૂ.13.17 લાખના દારૂ સાથે બે ઝડપાયાં,
વાડીના બુટલેગરે મકાન રાખી તેમાં દારૂ ઉતાર્યો હતો

પ્રતિનિધિ વડોદરા તા.11
અકોટા વિસ્તારમાં આવેલા રહેણાક મકાનમાં પીસીબીની ટીમે રેડ કરીને રૂ. 13.17 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગર અને તેના સાગરીતને ઝડપી પાડ્યાં હતા.
વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં દારૂનું ધુમ વેચાણ થાય છે. જેને લઇને પીસીબી પોલીસની ટીમ સિટી વિસ્તારમાં પેટ્રોલિંગમાં ફરી રહી હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે વાડી વચલી પોળમાં રહેતો બુટલેગર રાહુલ જોષી તેના માણસ હેમંત પટેલ સાથે અકોટા રાધાકૃષ્ણ પાર્ક સોસાયટીના મકાન નંબર એ-49 માં વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યો છે અને હાલમાં દારૂનું કટિંગ ચાલી રહ્યું છે. જેના આધારે પીસીબી પોલીસની ટીમે અકોટા રાધાકૃષ્ણ પાર્ક સોસાયટીના મકાનમાં રેઇડ કરી હતી. ત્યારે મકાનમાંથી રાહુલ જોષી તથા હેમંત પટેલ હાજર મળી આવ્યાં હતા. જેથી તેમને સાથે રાખીને તપાસ કરાઇ હતી. ત્યારે મકાનમાંથી રૂ. 13.17 લાખનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. જેથી પીસીબીએ દારૂનો જથ્થો, બે મોબાઇલ રૂપિયા 10 હજાર મળી રૂ. 13.27 લાખનો મુદ્દામાલ કબજે કરીને અકોટા પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરાયો છે.

Most Popular

To Top