World

સોનમ વાંગચુકના આંદોલનની ગુંજ અમેરિકામાં, વાંગચુકના સમર્થનમાં ભારતીય દૂતાવાસ બહાર પ્રદર્શન, શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ તેજ

દિલ્હીના જંતર-મંતર ખાતે અનિશ્ચિત સમયથી ભૂખ હડતાળ પર બેઠેલા સામાજિક કાર્યકર સોનમ વાંગચુકના આંદોલનની ગુંજ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સંભળાવા લાગી છે. અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં બે નાગરિક સમાજ સંગઠનોએ સોનમ વાંગચુકના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કરીને ભારત સરકારને કથિત NEET પરીક્ષાના પેપર લીક મામલે તાત્કાલિક કાર્યવાહી કરવા અને પ્રદર્શનકારીઓ સાથે સંવાદ શરૂ કરવાની અપીલ કરી છે. શુક્રવારે યોજાયેલા આ વિરોધ પ્રદર્શનમાં ‘હિન્દુઝ ફોર હ્યુમન રાઇટ્સ’ અને ‘ધ આઝાદી પ્રોજેક્ટ’ના કાર્યકરો ભારતીય દૂતાવાસ નજીક મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે એકત્ર થયા હતા. પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ સોનમ વાંગચુકના સમર્થનમાં પ્લેકાર્ડ હાથમાં રાખ્યા હતા અને દેશની શિક્ષણ વ્યવસ્થામાં પારદર્શિતા તથા જવાબદારી લાવવાની માંગ કરી હતી. સાથે જ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની પણ માંગ ઉઠાવવામાં આવી હતી.

વિરોધ પ્રદર્શન પહેલાં ‘હિન્દુઝ ફોર હ્યુમન રાઇટ્સ’ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખુલ્લો પત્ર પણ લખવામાં આવ્યો હતો. પત્રમાં સરકારને અપીલ કરવામાં આવી હતી કે પ્રદર્શનકારીઓ સાથે તાત્કાલિક વાતચીત શરૂ કરવામાં આવે, પરીક્ષા પ્રણાલીમાં રહેલી ખામીઓની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને જવાબદારો સામે સમયસર કાર્યવાહી થાય. સંગઠનના કાર્યકારી નિર્દેશક સુનીતા વિશ્વનાથે જણાવ્યું કે સરકારે હવે વધુ વિલંબ કરવો જોઈએ નહીં. તેમણે કહ્યું કે પ્રદર્શનકારીઓની માંગણીઓને ગંભીરતાથી સાંભળવાની જરૂર છે અને કોઈના જીવનને જોખમમાં મૂક્યા વગર સરકાર અને આંદોલનકારીઓ વચ્ચે તાત્કાલિક સંવાદ શરૂ થવો જોઈએ.

સંગઠનોએ સોનમ વાંગચુક અને તેમની સાથે ભૂખ હડતાળ પર બેઠેલા વિદ્યાર્થીઓને પણ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની અપીલ કરી છે. તેમના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આંદોલનનો સંદેશ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના અનેક દેશોમાં પહોંચ્યો છે અને પોતાની વાત સરકાર સુધી પહોંચાડવા માટે જીવ જોખમમાં મૂકવાની જરૂર નથી. ઉલ્લેખનીય છે કે સોનમ વાંગચુક 28 જૂનથી દિલ્હીના જંતર-મંતર ખાતે અનિશ્ચિત સમય માટે ભૂખ હડતાળ પર બેઠા હતા. તેઓ કથિત NEET પરીક્ષાના પેપર લીક મુદ્દે શિક્ષણ પ્રણાલીમાં સુધારા, પારદર્શિતા અને જવાબદારીની માંગ સાથે આંદોલન કરી રહ્યા હતા. જોકે તેમની તબિયત સતત બગડતા શનિવારે દિલ્હી પોલીસે તેમને તબીબી સારવાર માટે સફદરજંગ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. વોશિંગ્ટનમાં થયેલા આ વિરોધ પ્રદર્શન બાદ સોનમ વાંગચુકનું આંદોલન હવે આંતરરાષ્ટ્રીય ચર્ચાનો વિષય બન્યું છે. અમેરિકામાં થયેલા આ સમર્થનથી શિક્ષણ પ્રણાલી અને પરીક્ષાઓની પારદર્શિતા અંગેની ચર્ચા વધુ તેજ બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Most Popular

To Top