Vadodara

વડોદરા મહાનગરપાલિકાના વર્ષ 2026-27 ના બજેટ પર મહોર મારવા 17 ફેબ્રુઆરીના રોજ મળશે સામાન્ય સભા

સયાજીરાવ સભાગૃહમાં સવારે 10:30 કલાકે સભાસદો બજેટલક્ષી દરખાસ્તો પર કરશે ચર્ચા, શિક્ષણ સમિતિના 297 કરોડના બજેટને પણ અપાશે મંજૂરી

(પ્રતિનિધિ), વડોદરા. તા.11

વડોદરા મહાનગરપાલિકા દ્વારા આગામી નાણાકીય વર્ષ 2026-27 માટેના અંદાજપત્રને આખરી ઓપ આપવા માટે આગામી 17 ફેબ્રુઆરી 2026, મંગળવારના રોજ સવારે 10:30 કલાકે મ્યુનિસિપલ કોર્પોરેશનના “શ્રી સયાજીરાવ સભાગૃહ” ખાતે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સભામાં કમિશનરશ્રી દ્વારા રજૂ કરાયેલા ડ્રાફ્ટ બજેટ અને સ્થાયી સમિતિના સુધારા-વધારા પર વિસ્તૃત ચર્ચા કરી અંતિમ નિર્ણય લેવામાં આવશે.
બજેટની મુખ્ય વિગતો અને એજન્ડા.
આ સભામાં મુખ્યત્વે ત્રણ મહત્વના મુદ્દાઓ પર નિર્ણય લેવામાં આવનાર છે.

  • ગયા સત્રની કામગીરીની બહાલી : – સભાની શરૂઆતમાં ગત સામાન્ય સભાના પ્રોસીડીંગ (કાર્યવાહી) ને મંજૂરી આપવામાં આવશે.
  • વર્ષ 2026-27 નું અંદાજપત્ર :- મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા રજૂ કરવામાં આવેલ વર્ષ 2025-26 નું રિવાઈઝડ બજેટ અને વર્ષ 2026-27 નું ડ્રાફ્ટ બજેટ વિચારણા હેઠળ લેવાશે.

નોંધનીય છે કે સ્થાયી સમિતિએ તારીખ 07-02-2026 ના ઠરાવ અંક 545 થી 547 દ્વારા આ બજેટમાં કેટલાક સુધારા સૂચવ્યા છે, જેના પર સભાસદો મહોર મારશે.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું બજેટ :- શિક્ષણ સમિતિ દ્વારા રજૂ કરાયેલા 297 કરોડથી વધુના બજેટને મંજૂરી આપવાની પ્રક્રિયા હાથ ધરાશે.
શિક્ષણ સમિતિના બજેટમાં રૂ. 65 લાખનો વધારો સૂચવાયો. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા રજૂ કરાયેલા અંદાજપત્રમાં આ વખતે મહત્વના ફેરફાર જોવા મળ્યા છે.

  • કુલ બજેટ :- શિક્ષણ સમિતિ દ્વારા કુલ રૂ. 297,65,25,000/- (આશરે 297.65 કરોડ) નું બજેટ રજૂ કરાયું છે.
  • ફાળવણી :- જેમાં સરકારનો 80% ફાળો રૂ. 187.20 કરોડ રહેશે, જ્યારે વડોદરા મહાનગરપાલિકાનો ફાળો (20% + 100%) મળીને કુલ રૂ. 110.45 કરોડ જેટલો અંદાજવામાં આવ્યો છે.
  • વધારો :- સમિતિએ વિવિધ ક્ષેત્રોમાં જરૂરિયાત મુજબ રૂ. 65,25,000/- નો વધારો સૂચવ્યો છે, જેને ‘જાહેર શિક્ષણ’ ના સદરે મંજૂરી આપવામાં આવશે.

આગામી વર્ષ માટેના આ બજેટમાં વડોદરા શહેરના રસ્તા, પાણી, ગટર અને પાયાની સુવિધાઓ માટે કેટલી જોગવાઈ કરવામાં આવી છે તેના પર સૌની નજર રહેશે. વિરોધ પક્ષ અને શાસક પક્ષ વચ્ચે બજેટના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા થવાની પૂરેપૂરી શક્યતા છે.

Most Popular

To Top