ગાંધીનગર,તા.9
ગાંધીનગર ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત શ્રીલંકાના શાસક પક્ષ જનતા વિમુખ્તી પેરામુના (JVP)ના જનરલ સેક્રેટરી ટિલ્વિન સિલ્વા અને તેમના પ્રતિનિધિ મંડળે લીધી હતી. પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મજબૂત બનેલા ભારત – શ્રીલંકા દ્વિપક્ષીય સંબંધોને આગળ વધારવા માટે આ બેઠક મહત્વપૂર્ણ અને ફળદાયી સાબિત થશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રીએ ડેલીગેશનનું હાર્દિક સ્વાગત કરતાં જણાવ્યું હતું કે ભારત અને શ્રીલંકા વચ્ચે ઐતિહાસિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સંબંધો રહેલા છે અને છેલ્લા વર્ષોમાં આ સંબંધોને નવી ગતિ મળી છે. ગુજરાત એક પોલીસી ડ્રિવન સ્ટેટ તરીકે વિકસ્યું છે અને રાજ્યની વિવિધ સેક્ટરલ પોલીસીઝનો લાભ લઈને શ્રીલંકા પોતાના રસ ધરાવતા ક્ષેત્રોમાં ગુજરાત સાથે સહભાગીતા વિકસાવી શકે તે માટે પરસ્પર સંકલન વધારવાની હિમાયત તેમણે કરી હતી.આ બેઠક દરમિયાન ગુજરાત અને શ્રીલંકા વચ્ચે ઔદ્યોગિક સહયોગ, રોકાણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ તેમજ પ્રવાસન ક્ષેત્રે સહકાર વધારવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. વધુને વધુ ગુજરાતીઓ શ્રીલંકાની મુલાકાત લઈ શકે તે દિશામાં આયોજન માટે પણ વિચારવિમર્શ થયો હતો.
જે.વી.પી.ના જનરલ સેક્રેટરી ટિલ્વિન સિલ્વાએ મહાત્મા ગાંધીજી અને પીએમ નરેન્દ્ર મોદીની ભૂમિ એવા ગુજરાતની તેમની પ્રથમ મુલાકાતથી તેઓ અત્યંત પ્રભાવિત થયાની લાગણી વ્યક્ત કરી હતી. ગુજરાતની ઝડપી વિકાસયાત્રા અને સંસ્થાગત ક્ષમતાઓની તેમણે પ્રશંસા કરી હતી.

ટિલ્વિન સિલ્વાએ ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો શ્રીલંકાના કોલંબોમાં યોજાયેલા પ્રદર્શન માટે ગુજરાત દ્વારા આપવામાં આવ્યા તે બદલ કેન્દ્ર અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જરૂરિયાતના સમયે ભારતે હંમેશા શ્રીલંકાને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ સહિત વિવિધ ક્ષેત્રોમાં સહાય કરી છે અને મિત્ર દેશ તરીકે પડખે ઊભું રહ્યું છે.તેમણે અમૂલની મુલાકાતનો ઉલ્લેખ કરીને સહકાર ક્ષેત્ર સહિતના વિવિધ સેક્ટર્સમાં ગુજરાતની એક્સપર્ટિઝ, નોલેજ શેરીંગ અને નો-હાઉનો લાભ લેવા શ્રીલંકા આતુર હોવાનું જણાવ્યું હતું.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027માં શ્રીલંકાને પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાવાનું આમંત્રણ પાઠવ્યું હતું અને વડાપ્રધાનના દિશાદર્શનમાં ગુજરાતની ઔદ્યોગિક ક્ષમતાઓ વૈશ્વિક સ્તરે રજૂ કરવા માટે VGGSના સફળ આયોજનની વિગતો પણ રજૂ કરી હતી.