BEL કંપનીના 10 ઇજનેરોની ટીમ વડોદરામાં; 4 દિવસ સુધી 40 કર્મચારીઓ સાથે મળી મશીનોની ખામીઓ અને સુરક્ષાની તપાસ કરશે
વડોદરા,: શહેરમાં આગામી સમયમાં યોજાનારી મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્વે ગુજરાત ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલાં, પ્રક્રિયાના ભાગરૂપે EVM મશીનોનું ફર્સ્ટ લેવલ ચેકિંગ આજથી વડોદરામાં શરૂ કરવામાં આવ્યું છે.

EVM મશીન બનાવતી ખ્યાતનામ કંપની ‘બેલ’ ના 10 જેટલા નિષ્ણાત ઇજનેરોની ટીમ ખાસ વડોદરા ખાતે પહોંચી છે. આ ટીમ દ્વારા ચૂંટણી પંચના અધિકારીઓની હાજરીમાં મશીનોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.
4 દિવસ સુધી ચાલશે કામગીરી
ચૂંટણી અધિકારીના જણાવ્યા અનુસાર, આ કામગીરી માટે BEL ના 10 એન્જિનિયરોની સાથે સ્થાનિક વહીવટી તંત્રના 30 થી 40 કર્મચારીઓનો સ્ટાફ કાર્યરત છે. આ સમગ્ર પ્રક્રિયા આગામી ચાર દિવસ સુધી સતત ચાલુ રહેશે, જેથી આગામી ચૂંટણીમાં કોઈ પણ ટેકનિકલ અવરોધ વિના મતદાન પ્રક્રિયા સંપન્ન કરી શકાય.
આગામી કોર્પોરેશન ચૂંટણીને ધ્યાનમાં રાખીને વડોદરા વહીવટી તંત્ર હવે સંપૂર્ણ રીતે એક્શન મોડમાં આવી ગયું હોય તેમ જણાય છે.

”રાજકીય પક્ષોની હાજરીમાં મશીનોનું પરીક્ષણ, સંપૂર્ણ પ્રક્રિયા પારદર્શક રહેશે”…
વડોદરા મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને વહીવટી તંત્ર સજ્જ છે. “ચૂંટણી પૂર્વે EVM મશીનોનું ફર્સ્ટ લેવલ ચેકિંગ અત્યંત મહત્વનું છે. આ પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા જળવાઈ રહે તે માટે તમામ માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને હાજર રાખવામાં આવે છે. BEL કંપનીના એન્જિનિયરો અને કોર્પોરેશનના અંદાજે 30 થી 40 કર્મચારીઓ આગામી 4 દિવસ સુધી આ કામગીરી કરશે. જે મશીનો આ ટેસ્ટિંગમાં ‘ઓકે’ જણાશે, માત્ર તેનો જ ચૂંટણીમાં ઉપયોગ કરવામાં આવશે.”