Comments

અજિત પવારની વિદાય…. મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી વળાંક આવશે

અજિત પવારનું અકાળે અવસાન  મહારાષ્ટ્રના રાજકારણ માટે મોટો આંચકો છે. તેમના જવાથી એનસીપી (અજિત પવાર જૂથ)માં નેતૃત્વની જે ખાલી જગ્યા પડી છે તે ભરવી મુશ્કેલ છે. હવે શું થશે? એમનું જૂથ ફરી કાકા શરદ પવાર સાથે ભળી જશે? કે કોઈ નવા નેતા બાગડોર સંભાળશે? અને એની મહારાષ્ટ્રના રાજકારણમાં શું અસર થશે? આવા ઘણા પ્રશ્નો સર્જાયા છે અને એનો સીધો જવાબ તુરંત મળવો મુશ્કેલ છે, પણ એટલું તો ખરું જ કે, મહારાષ્ટ્રના રાજકારણમાં એક નવું તોફાન આવી રહ્યું છે.

સમસ્યા એ પણ છે કે, અજિત પવારના પરિવારમાંથી કોઈ પક્ષ સંભાળે એવી શક્યતા દેખાતી નથી. એમનાં પત્ની સુનેત્રા પવાર  રાજ્યસભાનાં સાંસદ છે. બીજું નામ છે એમના દીકરા  પાર્થ. દીકરા નામે એક કૌભાંડ બહાર આવેલું. આ બંને પક્ષને આગળ લઇ જઈ શકે એવી પ્રતિભા ધરાવતાં નથી. અજિત પવારના જૂથમાં કેટલાક અનુભવી નેતાઓ જરૂર છે. પ્રફુલ્લ પટેલ દિલ્હીના રાજકારણમાં પકડ ધરાવે છે અને પક્ષના મુખ્ય વ્યૂહરચનાકાર છે. સુનીલ તટકરે છે જે સંગઠન પર તેમની સારી પકડ છે અને તેઓ અજિત પવારના અત્યંત વિશ્વાસુ રહ્યા છે અને  છગન ભુજબળ દાવેદાર છે.   તેઓ એક પ્રભાવશાળી OBC નેતા છે અને પ્રશાસનનો બહોળો અનુભવ ધરાવે છે.

 પણ રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, કાકા ભત્રીજાનો પક્ષ ફરી એક થઈ શકે છે.  અજિત પવારના ગયા પછી તેમના જૂથના ધારાસભ્યો અને નેતાઓ વિખરાઈ શકે છે. આવી સ્થિતિમાં ઘણા ધારાસભ્યો ફરીથી શરદ પવારના શરણે જઈ શકે છે. શરદ પવાર પોતે પણ પક્ષને તૂટતો બચાવવા માટે બંને જૂથોને એક કરવાની પહેલ કરી શકે છે અને છેલ્લે સ્થાનિક ચૂંટણીઓમાં કેટલાંક સ્થળોએ બંને જૂથો સાથે થયાં હતાં.

અજિત પવાર પાસે ૪૧ ધારાસભ્યોનું સમર્થન હતું. તેમના ગયા પછી, આ ધારાસભ્યો પોતાનું ભવિષ્ય અસુરક્ષિત માનીને ફરીથી શરદ પવાર  જૂથમાં પાછા જઈ શકે છે. શરદ પવાર અત્યારે ભાવનાત્મક અને રાજકીય રીતે મજબૂત સ્થિતિમાં છે. જો તેઓ અજિત પવારના જૂથના નેતાઓને પોતાની તરફ ખેંચવામાં સફળ રહે તો આ જૂથ મહાયુતિથી અલગ થઈને વિપક્ષી ગઠબંધન સાથે જોડાઈ શકે છે.

બીજી બાજુ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અત્યારે ઉતાવળ કરવાના મૂડમાં નથી. રાજ્યમાં ૩ દિવસનો શોક હોવાથી, કોઈ પણ સત્તાવાર જાહેરાત અંતિમ સંસ્કાર બાદ જ કરવામાં આવશે. વળી અજિત પવારની જગ્યા એટલે કે ઉપ મુખ્યમંત્રી  અજિત પવાર જૂથ સાથે રહે છે કે કેમ એય સવાલ છે. શું શરદ પવાર એનડીએ સાથે જોડાઈ શકે આ શક્યતા ચર્ચામાં રહેવાની. સવાલો ઘણા છે, શક્યતાઓ પારાવાર છે અને એ પછી મહાયુતિ અને એમવીએનો આકાર, કદ અને શક્તિમાં બદલાવ આવશે. મહારાષ્ટ્રના રાજકારણમાં શું ફરી નવો કોઈ વળાંક આવી રહ્યો છે એ વિષે અટકળો શરૂ થઇ ગઈ છે.

ગંગોત્રી ધામમાં બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ
રામ મંદિરના નિર્માણ બાદ ઘણાં ધાર્મિક સ્થાનો પર હિન્દુઓ દ્વારા અધિકાર માટે કોર્ટમાં કેસ થયા છે. સુપ્રીમ કોર્ટમાં કેસ પણ ચાલે છે. હવે એક નવો વિવાદ શરૂ  થવાની રાહમાં છે અને એ છે કે, કેટલાંક હિન્દુ ધર્મસ્થાનોમાં બિનહિન્દુઓ માટે પ્રવેશબંધી.  ઉત્તરાખંડથી એની શરૂઆત થઇ છે.  ધાર્મિક સ્થળોની પવિત્રતા જાળવવાના હેતુથી એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. શ્રી ગંગોત્રી મંદિર સમિતિએ  સર્વસંમતિથી નિર્ણય લીધો છે કે ગંગોત્રી ધામમાં હવે બિનહિન્દુઓનો પ્રવેશ પ્રતિબંધિત રહેશે. આ નિયમ માત્ર મુખ્ય ધામ જ નહીં, પરંતુ ગંગા માતાના શિયાળુ નિવાસસ્થાન ‘મુખબા’ ગામમાં પણ લાગુ પડશે.

 અને આવા જ નિર્ણયો અન્યત્ર પણ લેવાય એવી શક્યતા છે. બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિના અધ્યક્ષ હેમંત દ્વિવેદીએ પણ જણાવ્યું છે કે આગામી બોર્ડ મીટિંગમાં બદ્રીનાથ, કેદારનાથ અને સમિતિ હેઠળ આવતાં તમામ મંદિરોમાં બિનહિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. ઉત્તરાખંડ સરકાર હરિદ્વારના ૧૦૫ ઘાટ (જેમાં હર-કી-પૌડીનો પણ સમાવેશ થાય છે) પર બિનહિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની વિચારણા કરી રહી છે. સાધુ-સંતો અને ગંગા સભાની માંગણીને પગલે આ બાબતે ગંભીરતાથી વિચારવામાં આવી રહ્યું છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ જણાવ્યું છે કે આ ધાર્મિક સ્થળોની વ્યવસ્થામાં મંદિર સમિતિઓ અને સ્થાનિક ધાર્મિક સંસ્થાઓની ભૂમિકા મહત્ત્વની છે.

સરકાર તમામ પક્ષકારો સાથે ચર્ચા કર્યા બાદ અને જૂના કાયદાઓની સમીક્ષા કર્યા પછી જ કોઈ અંતિમ નિર્ણય લેશે. આ નિર્ણયને લઈને રાજકીય અને ધાર્મિક ક્ષેત્રે મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. કેટલાક આ નિર્ણયને પવિત્રતા જાળવવાનું પગલું ગણાવી રહ્યા છે, જ્યારે વિપક્ષી નેતાઓ અને કેટલાક અન્ય સમુદાયો આને વિવાદાસ્પદ ગણાવી રહ્યા છે. આ બધાં સ્થાનો ટુરીઝમની દૃષ્ટિએ મહત્ત્વનાં છે અને એમાં આવા નિર્ણયો બાધારૂપ બની શકે. માત્ર ધાર્મિક દૃષ્ટિએ આવા નિર્ણય લેવાય એ સારી નિશાની નથી.

 ઉત્તરપ્રદેશની ખાપ પંચાયતોના નિર્ણયોએ બહુ બધા વિવાદ જગાવ્યા હતા. ખાસ કરીને લવ મેરેજના કિસ્સાઓમાં બહિષ્કારના નિર્ણયો ચર્ચાસ્પદ રહ્યા છે. મધ્યપ્રદેશમાં તો  રતલામમાં પંચાયત દ્વારા  તઘલખી નિર્ણય લેવાયો છે. રતલામ જિલ્લાના પિપલોદા તાલુકાના પંચેવા ગામનો છે. અહીં ગ્રામ પંચાયત દ્વારા એક બેઠક બોલાવવામાં આવી હતી જેમાં ગામનાં વડીલો અને ગ્રામજનો હાજર રહ્યાં હતાં. ગ્રામજનોનો દાવો છે કે છેલ્લા છ મહિનામાં ગામમાં લગભગ એક ડઝન જેટલાં યુવક-યુવતીઓએ પરિવારની મરજી વિરુદ્ધ ભાગીને અથવા આંતરજ્ઞાતીય પ્રેમલગ્ન કર્યાં છે.

કેટલીક યુવતીઓએ પોલીસ અને મેજિસ્ટ્રેટ સામે પોતાનાં માતા-પિતાને ઓળખવાનો પણ ઇનકાર કરી દીધો હોવાથી ગ્રામજનોમાં રોષ હતો. આ મુદે્ પંચાયતે ઠરાવ પસાર કર્યો છે કે જો કોઈ યુવક કે યુવતી ભાગીને લગ્ન કરશે તો તે પરિવારનો સંપૂર્ણ સામાજિક બહિષ્કાર કરવામાં આવશે. બહિષ્કૃત પરિવારને પાણી અને વીજળી જેવી પાયાની સુવિધાઓથી વંચિત રાખવામાં આવશે. ગામમાં કોઈ તેમને નોકરી પર રાખશે નહીં કે તેમની જમીન ભાડે લેશે નહીં. પૂજારી, વાળંદ કે ધોબી જેવી સેવાઓ પણ તેમને મળશે નહીં.

જે કોઈ વ્યક્તિ આ પરિવારને મદદ કરશે, તેની પર પણ દંડ કે બહિષ્કાર લાદવામાં આવશે. જો કે, આ પંચાયતનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયા બાદ વહીવટી તંત્ર સફાળું જાગ્યું છે. અધિકારીઓએ આ નિર્ણયને ગેરબંધારણીય ગણાવ્યો છે અને પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. પંચાયતનાં સભ્યોને કડક ચેતવણી આપવામાં આવી છે કે કાયદો હાથમાં લેનારા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આજના યુગમાં આવા નિર્ણયો લેવાય એ કમનસીબ છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top