Godhra

પઢીયાર ગામના જાગૃત નાગરિકની દિલ્હી સુધીની લડત સફળ, ગંદકીના કાયમી નિકાલ માટે 3.31 લાખની ગ્રાન્ટ મંજૂર

ભારત સરકારના જલ શક્તિ મંત્રાલયના કડક આદેશ બાદ પંચમહાલ જિલ્લાનું તંત્ર હરકતમાં આવ્યું

પ્રતિનિધિ , ગોધરા તા.21
ગોધરા તાલુકાના પઢીયાર ગામમાં છેલ્લા લાંબા સમયથી પ્રવર્તતી ગંદકી અને ગટરના પાણીના નિકાલની ગંભીર સમસ્યાનો આખરે સુખદ અંત આવ્યો છે. ગામના જાગૃત નાગરિક કાનાભાઈ રામાભાઈ દ્વારા ભારત સરકારના જલ શક્તિ મંત્રાલય સુધી કરવામાં આવેલી સતત રજૂઆતો બાદ સ્થાનિક તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે રૂ. ૩,૩૧,૨૦૦ ના ખર્ચે ૧૮ જેટલા સામૂહિક શોષક કૂવા બનાવવાની વહીવટી મંજૂરી આપી દેવામાં આવી છે.

દિલ્હીથી આવેલા કડક રિમાઇન્ડર બાદ જિલ્લા પંચાયત કચેરી દ્વારા અરજદારને રૂબરૂ બોલાવીને તમામ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. તાલુકા વિકાસ અધિકારી ગોધરા દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર હુકમમાં ગામના વિવિધ ૧૮ જેટલી જગ્યાઓમાં એક શોકપિટ દીઠ રૂ. ૧૮,૪૦૦ ના અંદાજિત ખર્ચે કામગીરી કરવામાં આવશે. આ કામગીરી સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) ફેઝ-૨ અંતર્ગત ગ્રે-વોટર મેનેજમેન્ટ હેઠળ હાથ ધરવામાં આવશે. મંજૂર કરાયેલા ઓર્ડરમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે કામ શરૂ કરતા પહેલા, પ્રગતિ સમયે અને કામ પૂર્ણ થયા બાદના GPS લોકેશન વાળા ફોટોગ્રાફ્સ રજૂ કરવાના રહેશે. વધુમાં, કામની ગુણવત્તા ઉચ્ચ કક્ષાની રહે તે જોવાની જવાબદારી તાલુકા પંચાયતના કર્મચારી અને ગ્રામ પંચાયતની રહેશે.

નોંધનીય છે કે અગાઉ આ મુદ્દે માત્ર કાગળ પર રિપોર્ટ કરીને અરજીઓ ફાઈલ કરી દેવામાં આવતી હતી. પરંતુ દિલ્હીથી Reminder-I આવતા જ સ્થાનિક તંત્ર હરકતમાં આવ્યું અને આખરે પઢીયાર ગામની ગંદકીની સમસ્યાનું નિવારણ આવ્યું છે.

રિપોર્ટર: આશિષ બારીયા

Most Popular

To Top