વડોદરા: પૂજ્ય વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી મહોદયશ્રી ની મંગલ ઉપસ્થિતમાં Life Bliss મેડિટેશન પ્રોગ્રામનું નવલખી ખાતે સવારે ૬ કલાકે આયોજન હતું.
વિશ્વ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવના સમાપનના દિવસે ૧ લાખથી વધુ ભક્તોએ પાવનનગરી, સંસ્કારીનગરી અને કલાનગરી વડોદરાને વૈષ્ણવનગરી બનાવીને આ ભવ્ય અને અદભુત મહામહોત્સવમાં ઉપસ્થિત રહેવાના શુભ સૌભાગ્યનું ગર્વ અનુભવ્યું હતું.
આ મહોત્સવના નવે નવ દિવસ વૈષ્ણવો અને સનાતની ધર્મના ભક્તોનો ઘસારો એટલો વિશાળ હતો કે હિન્દુ ધર્મના તીર્થસ્થાનના પ્રદર્શનીના દર્શન માટે બાળકોને ખંભા પર બેસાડીને આ અલૌકિક દર્શનનો લાભ પ્રાપ્ત કર્યો હતો. વૈષ્ણવ નગરી વડોદરા ના કોઈ પણ સનાતન ધર્મનો ભક્ત આ પ્રદર્શનીની ઝાંખીથી બાકી ન રહ્યો હોય તેવો માહોલ સર્જાયો હતો .
વિશ્વ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ અને શ્રીમદ ભાગવત કથાએ અનેક રેકોર્ડ તોડ્યા તથા આ મહોત્સવને સર્વે વૈષ્ણવોએ પુષ્ટિમાર્ગમાં 550 વર્ષના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરમાં લખવો પડે તેવો કરીને સમગ્ર વૈષ્ણવ સમાજમાં પૂજ્યશ્રી વ્રજરાજકુમારજીના આ પ્રેરણા મહોત્સવના રેકોર્ડનો જય જય કાર કર્યો હતો અને સંદેશો આપ્યો કે વૈષ્ણવ સમાજ પણ આવા કાર્યો અને મહોત્સવ કરી શકે છે.
પૂજ્યશ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રી દ્વારા કથા મંડપમાં વહેલી સવારે છ વાગ્યે સર્વે વૈષ્ણવોને ધ્યાન મેડીટેશન કરવામાં આવ્યું અને પૂજ્યશ્રીએ જણાવ્યું કે ધ્યાન ધરવાથી સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. આપણા શરીરના ચક્ર બેલેન્સિંગ માટે લાઈફ બ્લીઝ મેડીટેશન દરેક જગ્યાએ વૈષ્ણવોને અને દરેકને કરવામાં આવશે અને “સ્ટ્રેસ ફ્રી વર્લ્ડ” તરફ આવું કાર્ય પુષ્ટિમાર્ગના ઇતિહાસમાં સર્વ પ્રથમ પૂજ્યશ્રી દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. LIFE BLISS મેડીટેશનના આ સર્વપ્રથમ પ્રોગ્રામનું પૂજ્ય વૈષ્ણવાચાર્ય શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રી ની મંગલ ઉપસ્થિતિમાં શુભ શરૂઆત કરીને નવલખી ગ્રાઉન્ડમાં એક વધુ રેકોર્ડ પુષ્ટિમાર્ગ ઇતિહાસમાં સ્થાપિત થયો.
પૂજ્યશ્રી ની આ મધુર અને દિવ્ય વાણીથી યુવા ભક્તોએ કથા શ્રવણ કરીને સત્સંગ દ્વારા શુદ્ધ તત્વની પ્રાપ્તિની અનુભુતી કરી હતી અને પોતાના હૃદયના અંદરના ભાવને ઉજાગર કરી આ પ્રેરણા મહોત્સવના દિવ્યરસની પ્રાપ્તિથી જીવનને નવી દિશામાં સનાતન ધર્મના કાર્યો સાથે પુષ્ટિમાર્ગમાં જોડાવા માટે પ્રેરણા ઉત્પન્ન થઈ હતી. પૂજ્યશ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રી દ્વારા શ્રી વ્રજધામ આધ્યાત્મિક સંકુલમાં બિરાજતા શ્રી ઠાકોરજી સમક્ષ 250 થી પણ વધુ વૈષ્ણવોને બ્રહ્મસંબંધ આપ્યું. આજના પુષ્ટિમાર્ગીય દરેક યુવા વૈષ્ણવો માટે પૂજ્યશ્રી વ્રજરાજકુમારજી એ પ્રેરણાસ્ત્રોત છે અને યુવા વૈષ્ણવો આપના આદર્શ પ્રેરણાસ્ત્રોત પૂજ્યશ્રી સાથે સંકળાયને ને પોતાના જીવનને કૃતાર્થ કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે અને વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના માધ્યમથી પુષ્ટિમાર્ગીય સેવા, સત્સંગ, હરિનામ સંકીર્તન, ભક્તિ, ધ્યાન દ્વારા આર્થિક સેવા, આરોગ્યલક્ષી સેવા, શૈક્ષણિક કાર્યો, સામાજિક સેવા વગેરે દ્વારા VYO ઇન્ટરનેશનલને દેશ વિદેશમાં પ્રચાર પ્રસાર કરવા કટીબધ્ધ થયા છે.
વિશ્વ હિંદુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવમાં વડોદરામાં ભારતના સનાતન ધર્મના દરેક તીર્થનું દિવ્યજળ અહીં પધરાવવામાં આવ્યું છે એટલે અહી શ્રી યમુનાજી, શ્રી ગંગાજી અને શ્રી સરસ્વતીના જળનો ત્રિવેણી સંગમ થકી પ્રયાગતીર્થના ત્રિવેણીસંગમની પણ અહીં વૈષ્ણવનગરી વડોદરામાં અનુભૂતિ થઈ છે આજે પૂજ્યશ્રી દ્વારા 1008 પ્રયાગતીર્થ કળશ મહોત્સવમાં પૂજન કરી સર્વે વૈષ્ણવોને આપશ્રીના શુભ આશીર્વચન આપ્યા હતા અને આ 1008 પ્રયાગતીર્થ કળશ મહોત્સવની ભવ્ય ઝાંખી દર્શન જોઈને વડોદરામાં કુંભમેળા જેવો માહોલ જોવા મળ્યો હતો.