મોબાઈલ ફોન આવ્યા પછી એવી સ્થિતિ થઈ છે કે લોકો પુસ્તકો, અખબારો વાંચતા ઓછા થઈ રહ્યા છે. ખાસ કરીને સ્કૂલમાં ભણતાં બાળકોમાં આ દૂષણ દિવસેને દિવસે વધી રહ્યું છે. મોબાઈલનો ઉપયોગ થાય તેનો વાંધો નથી. પરંતુ તેનું વળગણ થાય તે ખોટું છે. પ્રત્યેક પરિવારે પોતાના સંતાનો અખબાર વાંચે તેવી ફરજ પાડવી જોઈએ. અખબારના વાંચનને કારણે બાળકોમાં જનરલ નોલેજથી માંડીને દેશ-વિદેશની માહિતીનો વધારો થાય છે. આ સત્યને સમજીને યુપી સરકારે રાજ્યમાં સરકારી શાળાઓમાં નવો નિયમ લાગુ કર્યો છે.
કિશોરોને મોબાઈલ ફોનથી દૂર રાખવા માટે અને વિજ્ઞાન, સંસ્કૃતિ અને ઈતિહાસ જેવા વિષયોમાં તેની રુચિ વધે તે માટે યુપી સરકારે દરેક સ્કૂલોમાં પ્રાર્થના પછી બાળકોને અખબારો ફરજિયાત વાંચવાનો નિયમ બનાવ્યો છે. બાળકોએ અખબાર વાંચવાની સાથે પાંચ નવા શબ્દોનો અર્થ સમજાવવાનો રહેશે. યુપી સરકારના માધ્યમિક અને મૂળભૂત શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ પાર્થ સારથી સેન શર્માએ રાજ્યના તમામ જિલ્લા શાળા નિરીક્ષક, જિલ્લા મૂળભૂત શિક્ષણ અધિકારી તેમજ તમામ વિભાગીય શિક્ષણ નિયામકોને આ અંગે સરકારી આદેશ જારી કરીને તમામ શાળાઓમાં દૈનિક અખબાર વાંચન, જૂથ ચર્ચાઓ અને સમાચાર ક્લિપિંગ્સની જોગવાઈ ફરજિયાત બનાવી છે.
યુપી સરકારનું માનવું છે કે, આનાથી વિદ્યાર્થીઓની વાંચન આદતોમાં વધારો થશે. તેમને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં મદદ કરશે. સાથે સાથે તેમનું ભાષા પરનું પ્રભુત્વ વધારશે. જેનાથી ચર્ચાઓમાં તેઓ નિપુણ બનશે. અખબારોના વાંચનથી વિદ્યાર્થીઓના વિજ્ઞાન, સંસ્કૃતિ અને રમતગમતના જ્ઞાનમાં વધારો થશે તેવું યુપી સરકારનું માનવું છે. સરકારી આદેશમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે, સ્ક્રીન સમય વધવાથી બાળકોમાં પુસ્તકો પ્રત્યેની રૂચિમાં ઘટાડો થયો છે તેમજ એકાગ્રતા અને ભાવનાત્મક વિકાસમાં ઘટાડો થયો છે.
જેને કારણે નિયમિત અભ્યાક્રમમાં અખબારોનો સમાવેશ કરીને શાળાઓમાં વાંચન પ્રત્યેનો જુસ્સો કેળવવાના પ્રયાસો કરવાના રહેશે. વિદ્યાર્થીઓ અખબાર વાંચનના આધારે તેમની શાળા કે કોલેજના સામયિકો તૈયાર કરશે. અખબારમાં પ્રકાશિત સંપાદકીય લેખના આધારે અઠવાડિયામાં એકવાર વર્ગમાં જૂથ ચર્ચાઓ યોજાશે. અખબારોના વાંચનથી દેશ અને વિશ્વ વિશે વિદ્યાર્થીનું જ્ઞાન વધશે. જ્યારે નવા શબ્દોથી પરિચીત થવાથી વાતચીતમાં પણ સુધારો થશે. અખબારોમાં પ્રકાશિત થતી ભાવનાત્મક વાર્તાઓ વિદ્યાર્થીઓને પ્રેરણા આપશે.
શનિવારે અથવા અન્ય સાપ્તાહિક વર્ગોમાં અખબારોમાં પ્રકાશિત સુડોકુ, ક્રોસવર્ડ પઝલ અને અન્ય વસ્તુઓ પર આધારીત માહિતીપ્રદ ક્વીઝનું આયોજન કરવાનું રહેશે. આ આદેશને પગલે રાજ્યમાં છઠ્ઠા ધોરણથી આઠમાં ધોરણના વિદ્યાર્થીઓને વિજ્ઞાન, પર્યાવરણ અને રમતગમત પર સમાચાર ક્લિપિંગ્સનો ઉપયોગ કરીને સ્ક્રેપબૂક બનાવવા માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવશે.
વિદ્યાર્થીઓમાં જવાબદારીની ભાવના જગાડવા માટે તેઓ સ્થાનિક વિકાસલક્ષી સમાચારોથી પરિચીત થશે. યુપી સરકારે જે આદેશ કર્યો છે તે સરાહનીય છે. યુપી સરકારે કરેલી પહેલને દેશના અન્ય રાજ્ય સરકારોએ પણ અપનાવવાની જરૂરીયાત છે. અખબારોમાં ફેક ન્યુઝ ભાગ્યે જ જોવા મળે છે. અખબારોમાં છપાતા સમાચારો મોટાભાગે વેરિફાઈ્ડ હોય છે. જેને કારણે વિદ્યાર્થીઓ સાચા સમાચારોથી માહિતગાર થાય છે. જો દેશના તમામ રાજ્યો દ્વારા યુપી સરકારની જેમ સ્કૂલોમાં અખબારોનું વાંચન ફરજિયાત કરાશે તો બાળકોમાં જ્ઞાનમાં ચોક્કસ વધારો થશે તે નક્કી છે.