World

ચીનના વિદેશ મંત્રી વાંગ યી PM મોદીને મળ્યા, SCO સંમેલન માટે જીનપિંગનું આમંત્રણ સોંપ્યુ

ભારતની મુલાકાતે આવેલા ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ મંગળવારે સાંજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. આ દરમિયાન તેમણે પીએમ મોદી સાથે બંને દેશો વચ્ચેના સંબંધોમાં સુધારો થવા અંગે વાત કરી. વાંગ યીએ ચીનના તિયાનજિનમાં યોજાનારી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટ માટે રાષ્ટ્રપતિ શી જીનપિંગનો સંદેશ અને આમંત્રણ પીએમ મોદીને સોંપ્યું. ચીનના ટોચના અધિકારીની પ્રધાનમંત્રી સાથે મુલાકાત પહેલા તેમણે દિવસ દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને સોમવારે વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે ઉચ્ચ સ્તરીય વાતચીત કરી હતી.

શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) સમિટ માટે પ્રધાનમંત્રી મોદીની ચીન મુલાકાતના થોડા દિવસો પહેલા વાંગ યીની ભારત મુલાકાત છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતીય માલ પર ટેરિફ બમણી કરીને 50 ટકા કર્યા પછી ભારત-અમેરિકા સંબંધોમાં વધતા તણાવ વચ્ચે આ ઘટના બની રહી છે જેમાં રશિયન ક્રૂડ ઓઇલની ખરીદી પર 25 ટકાનો વધારાનો દંડ પણ શામેલ છે.

ચીનના વિદેશ મંત્રી સાથે મુલાકાત બાદ પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું, “વિદેશ મંત્રી વાંગ યીને મળીને આનંદ થયો. ગયા વર્ષે કાઝાનમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની મારી મુલાકાત પછી ભારત-ચીન સંબંધો એકબીજાના હિતો અને સંવેદનશીલતાઓનું સન્માન કરીને સતત આગળ વધ્યા છે. હું શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) સમિટ દરમિયાન તિયાનજિનમાં અમારી આગામી મુલાકાતની રાહ જોઉં છું. ભારત અને ચીન વચ્ચે સ્થિર, વિશ્વસનીય અને રચનાત્મક સંબંધો પ્રાદેશિક અને વૈશ્વિક શાંતિ અને સમૃદ્ધિમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.”

ચીનના વિદેશ મંત્રાલયે ડોભાલ અને વાંગની મુલાકાત અંગે વાત કરી
અગાઉ ચીનના વિદેશ મંત્રી વાંગ યી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ વચ્ચે ચીન-ભારત સરહદના પ્રશ્ન પર 24મી વિશેષ પ્રતિનિધિ સ્તરની વાટાઘાટો યોજાઈ હતી. બેઠક અંગે ચીનના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ચીનના વિદેશ મંત્રી વાંગ યી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલે ચીન-ભારત સરહદ મુદ્દા અને દ્વિપક્ષીય સંબંધો પર વ્યાપક, ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. વાંગ યીએ જણાવ્યું હતું કે કાઝાનમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને પ્રધાનમંત્રી મોદી વચ્ચેની મુલાકાત દરમિયાન થયેલી મહત્વપૂર્ણ સર્વસંમતિએ ચીન-ભારત સંબંધોને સુધારવા અને સરહદી મુદ્દાને યોગ્ય રીતે હેન્ડલ કરવાની દિશા નક્કી કરી છે. હવે બંને દેશો વચ્ચેના સંબંધો યોગ્ય અને વિકસિત માર્ગ પર આગળ વધી રહ્યા છે. સરહદની સ્થિતિ સ્થિર અને સુધરી રહી છે. બે મુખ્ય પડોશીઓ અને વિકાસશીલ દેશો તરીકે ચીન અને ભારત સમાન મૂલ્યો અને વ્યાપક સામાન્ય હિતો ધરાવે છે.

Most Popular

To Top