ગાંધીનગર : ઉત્તર – પૂર્વીય અને પૂર્વીય પવનની દિશાના કારણે રાજયમાં છેલ્લા 24 કલાકની અંદર ઠંડી વધી જવા પામી છે. ગાંધીનગર અને કચ્છનું નલિયા 13 ડિગ્રી ઠંડીમાં ઠંડુગાર બની જવા પામ્યું હતું. હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાકની અંદર રાજયમાં ઠંડીનો પારો 4 ડિગ્રી સુધી નીચે ગગડી જવાની ચેતવણી જાહેર કરી દેવાઈ છે. ખાસ કરીને રાજયમાં 48 કલાકમાં ઠંડી હજુયે વધવાની છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં ઠંડીના પ્રમાણમાં ગઇકાલે રાત્રે વધારો થયો હતો.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર , રાજયના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 14 ડિ.સે., ડીસામાં 14 ડિ.સે., ગાંધીનગરમાં 13 ડિ.સે., વલ્લભ વિદ્યાનગરમાં 17 ડિ.સે., વડોદરામાં 16 ડિ.સે., સુરતમાં 19 ડિ.સે., ભૂજમાં 18 ડિ.સે., નલિયામાં 13 ડિ.સે., કંડલા પોર્ટ પર 17 ડિ.સે., કંડલા એરપોર્ટ પર 15 ડિ.સે., ભાવનગરમાં 16 ડિ.સે., રાજકોટમાં 15 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 16 ડિ.સે., મહુવામાં 15 ડિ.સે. અને કેશોદમાં 15 ડિ.સે., લઘુત્તમ તાપમાન નોંધાવવા પામ્યુ હતું.
નવસારીમાં ઠંડીનો પારો સાડા ચાર ડિગ્રી અને મહત્તમ તાપમાન 3 ડિગ્રી ગગડયો
નવસારીમાં ડિસેમ્બર મહિનો શરૂ થતાં જ ઠંડી ઘટાડો થતાં ગરમી શરૂ થઇ હતી. નવસારીમાં ઠંડીનો પારો 21.6 ડિગ્રીએ પહોંચ્યો ગરમીનો અહેસાસ થયો હતો. જોકે આજે એક જ દિવસમાં ઠંડીનો પારો સાડા ચાર ડિગ્રી અને મહત્તમ તાપમાન 3 ડિગ્રી ગગડતા ફરી ઠંડીનો અહેસાસ થયો હતો.
ડિસેમ્બર મહિનો શરૂ થતાની સાથે જ ઠંડીનો પારો વધવા લાગ્યો હતો. ગત 1લીથી ગત 5મી સુધીમાં ઠંડીનો પારો 7 ડિગ્રી જેટલો વધીને 21.6 ડિગ્રીએ પહોંચતા ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે. જોકે ગત રોજ ઠંડીનો પારો દોઢ ડિગ્રી અને મહત્તમ તાપમાન પણ દોઢ ડિગ્રી ગગડયો હતો. જયારે આજે એક જ દિવસમાં ઠંડીનો પારો વધુ સાડા ચાર ડિગ્રી અને મહત્તમ તાપમાન 3 ડિગ્રી ગગડયું છે. જેથી બે દિવસમાં નવસારીમાં ઠંડીનો પારો 6.2 ડિગ્રી ગગડયો છે અને મહત્તમ તાપમાન 4.5 ડિગ્રી ગગડયું છે.
શનિવારે નવસારીમાં ઠંડીનો પારો 4.6 ડિગ્રી ગગડીને 15.4 ડિગ્રી નોંધાયો છે. જયારે મહત્તમ તાપમાન પણ વધુ 3 ડિગ્રી ગગડીને 30.5 ડિગ્રી નોંધાયું છે. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 90 ટકા હતું. જે બપોરબાદ ઘટીને 27 ટકાએ રહ્યું હતું. જોકે દિવસ દરમિયાન 2.4 કિ.મી. ની ઝડપે પવનો ફૂંકાયા હતા.