World

શું કેનેડાની સંસદમાં દિવાળીની ઉજવણી રદ્ કરવામાં આવી? વિપક્ષી નેતાએ આપ્યું આ નિવેદન

કેનેડાના વિપક્ષી નેતાએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે કેનેડાની સંસદમાં દિવાળી સેલિબ્રેશનનો કાર્યક્રમ રદ્દ કરવાના સમાચાર ખોટા છે. વિપક્ષી નેતા પિયરે પોલીવરેના કાર્યાલયે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે દિવાળીની ઉજવણી સમયપત્રક મુજબ જ થશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ‘દિવાળીની ઉજવણી રદ કરવાના સમાચાર ખોટા છે. આ ફેસ્ટિવલનું આયોજન કન્ઝર્વેટિવ કોકસ દ્વારા કરવામાં આવશે. જોકે તહેવારના કાર્યક્રમના સમયમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. અહીં દક્ષિણ એશિયાઈ મૂળના લોકો સાથે દિવાળી અને બંદી છોડ દિવાસ ઉજવવામાં આવશે.

દિવાળીની ઉજવણી રદ કરવામાં આવી હોવાના અહેવાલ હતા
કેનેડાના વિપક્ષના નેતા પિયરે પોલીવરેના કાર્યાલય તરફથી આ સ્પષ્ટતા એવા સમયે આવી છે જ્યારે કેનેડાની સંસદ પાર્લામેન્ટ હિલ ખાતે દિવાળીની ઉજવણી રદ કરવાના અહેવાલો સામે આવ્યા છે. અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારત સાથે ચાલી રહેલા રાજદ્વારી અવરોધ વચ્ચે દિવાળીની ઉજવણી રદ કરવામાં આવી છે. જો કે ઇવેન્ટના આયોજકો – ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ ઇન્ડિયા કેનેડા (OFIC) દ્વારા ઇવેન્ટને રદ કરવા અંગે કોઈ સ્પષ્ટતા આપવામાં આવી ન હતી. આ દિવાળી સેલિબ્રેશન ઈવેન્ટનું આયોજન કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદ ટોડ ડોહર્ટી દ્વારા કરવામાં આવી રહ્યું છે.

પાર્લામેન્ટ હિલમાં 23 વર્ષથી સતત દિવાળી પર્વનું આયોજન કરવામાં આવે છે
ઉલ્લેખનીય છે કે પાર્લામેન્ટ હિલ ખાતે દિવાળીની ઉજવણીની શરૂઆત પૂર્વ કન્ઝર્વેટિવ સાંસદ દીપક ઓબેરોય દ્વારા કરવામાં આવી હતી, જે છેલ્લા 23 વર્ષથી ચાલુ છે. વર્ષ 2019 માં દીપક ઓબેરોયના મૃત્યુ પછી અન્ય સાંસદોએ આ પરંપરાને આગળ ધપાવી હતી પરંતુ આ વર્ષે આ ઉત્સવનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હોવાના અહેવાલો હતા. જેના પર ભારતીય મૂળના લોકોએ ચિંતા વ્યક્ત કરી હતી. ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયા કેનેડાએ કહ્યું હતું કે એક દેશ સાથે ચાલી રહેલા વિવાદને કારણે કેનેડામાં એક સમુદાય અલગ પડી ગયો છે. જોકે હવે વિપક્ષના નેતાએ નિવેદન જારી કરીને સ્પષ્ટ કર્યું છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ કેનેડાની સંસદમાં દિવાળીની ઉજવણીનું આયોજન કરવામાં આવશે.

Most Popular

To Top