Vadodara

પાર્સલમાં ડ્રગ્સ મળ્યુ હોવાનુ જણાવી રૂ 32.50 લાખની ઠગાઇમા બે ઠગ મુંબઈમાંથી ઝડપાયા

CBI તેમજ મુંબઇ ક્રાઈમ બ્રાન્ચના નામે કોલ કરીને પાર્સલમાં ડ્રગ્સ પકડાયું હોવાનું કહીને 32.50 લાખ રૂપિયા પાડાવી લેવાના ગુનામાં સંડોવાયેલા સાયબર ગઠિયાઓ પૈકી બે આરોપીઓને વડોદરા સાયબર ક્રાઇમની ટીમે નવી મુંબઈમાંથી ઝડપી પાડયા હતા.

વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ભોગ બનનાર એક વ્યક્તિએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે થોડા સમય પહેલા તેઓને DHL કુરિયર મુંબઈથી ફોન આવ્યો હતો.અને જણાવ્યું હતું કે,ફરિયાદીના બેન્કોક જતા કુરિયરમાં ડ્રગ્સ,લેપટોપ,મોબાઈલ કપડાઓ સહિત ગેરકાયદેસર વસ્તુઓ મળેલી છે. બનાવટી કુરિયર એજન્સી દ્વારા જાણકારી આપ્યા બાદ મુંબઇ ક્રાઈમ બ્રાન્ચના નામે ફોન આવ્યો હતો અને પોલીસની જેમ જ પૂછપરછ શરૂ કરી હતી.જે બાદ સ્કાયપી એપ્લિકેશન દ્વારા ફરિયાદીનું વિડીયોગ્રાફી દ્વારા નિવેદન લેવાનું નાટક કરવામાં આવ્યું હતું. આ સાથે CBIના લેટર મોકલીને ફરિયાદીને ડરાવીને કહેવામાં આવ્યું હતું કે જ્યાં સુધી કેસ ચાલશે ત્યાં સુધી તમારી મિલકત અને બેન્ક ખાતા ફ્રીઝ કરવામાં આવશે.આડકતરી રીતે ધમકાવીને ફરિયાદી પાસે 32.50 લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા.જે બાદ પોતે છેતરાયાં હોવાનો અનુભવ ફરિયાદીને થતા વડોદરા સાયબર ક્રાઈમ પોલીસ મથકે ફરિયાદ આપવામાં આવી હતી. ભોગ બનનાર ફરિયાદીની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન વડોદરા પોલીસે હ્યુમન સોર્સની મદદથી મુંબઇના રહેવાસી ઇબનુંસિયાદ પી.અબ્દુલ સલીમ તેમજ અશરફ અલવીની ધરપકડ કરી હતી. બંને આરોપીઓ મુંબઈમાં રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે જોડાયેલા છે .જ્યારે બંને આરોપીઓને પોલીસે કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે.

Most Popular

To Top