Dakshin Gujarat

સોશિયલ મીડિયામાં મિત્રતા કેળવી યુવકે મોરબીમાં ભણતી યુવતીને કામરેજ લાવી બળાત્કાર ગુજાર્યો

કામરેજ: મોરબીમાં રહીને બી.કોમ.નો અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને મોરબીમાં જ રહેતા યુવાને ફરવા માટે લઈ જઈ કામરેજના ખોલવડની હોટલમાં રૂમ રાખી વિદ્યાર્થિની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. ત્રણ દિવસ હોટલમાં રાખી શરીર સુખ માણ્યું ને યુવતીને બાદમાં ઘરે રવાના કરી દીધી હતી.

મોરબી કોલેજમાં બી.કોમના બીજા વર્ષમાં અભ્યાસ કરતી 18 વર્ષીય રીના (નામ બદલ્યું છે)ને બે વર્ષ અગાઉ મોરબીમાં જ રહેતા ઉદય રતીલાલ સનારીયા સાથે ઓળખાણ થઈ હતી. ઈન્સ્ટાગ્રામ પર બંને વાતચીત કરતાં હતાં અને કોલ પણ કરતાં હતાં. પ્રેમસંબંધ થતાં ઉદયે રીનાને ફોન પણ લઈ આપ્યો હતો. બંનેના પ્રેમસંબંધની જાણ રીનાના પિતાને થતાં ફોન ઉદયને પરત આપી દીધો હતો. બાદ માર્ચ-2024માં બીજો ફોન ઉદયે રીનાને આપ્યો હતો.

ગત 12મી મેના રોજ રાત્રિના સોશિયલ મીડિયા દ્વારા રીનાને બહાર ફરવા જવું છે તેવું પૂછતાં રીનાએ હા પાડતાં ગત 13મી મેના રોજ સવારે 7.00 સ્વિફટ કાર નં.(જીજે 03 ઈએલ 2060) લઈ અન્ય બે મિત્રની સાથે કાર બદલીને મારુતિ બ્રિઝા કાર લઈને નીકળ્યાં હતાં. રસ્તામાં ઉદયે રીનાને આપણે બંને ફરવા માટે જઈએ છીએ, તો તકલીફ ન પડે તેના માટે વકીલ પાસે લખાણ કરાવવાનું હોવાથી હળવદ ખાતે નોટરીવાળું લખાણ કરી સુરત જવાનું છે તેમ કહેતાં રીનાએ સાંજે ઘરે જવાનું છે તેમ કહેવા છતાં પણ ઉદયે રીનાની વાત ન માની કામરેજના ખોલવડની સ્ટાર લાઈટ હોટલમાં બે દિવસ રોકાવાનું છે તેવી વાત કરી હોટલમાં રૂમ રાખી ત્રણ દિવસ રોકાયાં હતાં.

દરમિયાન ઉદયે રીના સાથે પાંચવાર શરીર સંબંધ બાંધ્યો હતો. બાદ રીના સાથે ઉદય કાર લઈને મોરબી જતો રહ્યો હતો અને ઉદયના સંબંધી રીનાને ઘરે મૂકી આવ્યા હતા. રીનાએ ઘરે માતા-પિતાને આ બાબતની જાણ કરતાં મોરબી પોલીસે ઉદય સામે ફરિયાદ નોંધી બનાવ કામરેજ પોલીસમથકની હદમાં બનેલો હોવાથી વધુ તપાસ કામરેજ પોલીસ કરી રહી છે.

Most Popular

To Top