Sports

ઋષભ પંત સમય પહેલા કેવી રીતે સાજો થયો? NCAના તબીબે કર્યો ખુલાસો

નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાનો (Team India) સ્ટાર વિકેટકીપર રિષભ પંત () 14 મહિના પછી ક્રિકેટના (Cricket) મેદાન પર જોવા મળશે. IPL 2024માં પંત દિલ્હી કેપિટલ્સ તરફથી રમતા જોવા મળશે. રિષભ પંત ડિસેમ્બર 2022માં દિલ્હી દેહરાદૂન હાઈવે પર કાર અકસ્માત બાદ ક્રિકેટથી દૂર હતો. જોકે હવે પંતને IPLમાં રમવાની પરવાનગી મળી ગઈ છે. પરંતુ નેશનલ ક્રિકેટ એકેડમીના ફિઝિયોથેરાપિસ્ટે પંતની વાપસી પર મોટું નિવેદન આપ્યું છે.

નેશનલ ક્રિકેટ એકેડમીના ફિઝિયોથેરાપિસ્ટ તુલસી યુવરાજને એક ઇન્ટરવ્યુમાં પંતની હાલની પરિસ્થિતિ તેમજ શું તે હવે ક્રિકેટ રમી શકશે કે કેમ તે અંગે સવાલ પુછવામાં આવ્યા હતા. જેમાં તેમણે પંતની હાલની પરિસ્થિતિને મેડિકલી ક્રિકેટ રમવા યોગ્ય જણાવી છે. તેમજ તેની આટલી ઝડપી રિકવરી પાછળનું કારણ પણ જણાવ્યું છે. કારણકે ડોક્ટરોના જણાવ્યા મુજબ પંતને હજી એકદમ સ્વસ્થ થવા માટે બે વર્ષ કે તેથી વધુ સમય લાગે તેવી સંભાવના જણાતી હતી.

નેશનલ ક્રિકેટ એકેડમીના ફિઝિયોથેરાપિસ્ટ તુલસીએ કહ્યું કે ઋષભ પંતની માનસિક શક્તિ અને જિમ્નેસ્ટિક્સ રમવાના અનુભવે વિકેટકીપર બેટ્સમેનને ઝડપથી સ્વસ્થ થવામાં મદદ કરી છે. તુલસી યુવરાજે જણાવ્યું કે પંતની માનસિક શક્તિ અને આત્મવિશ્વાસે અમને રિકવરી દરમિયાન 100 ટકા આપવા માટે પ્રેરિત કર્યા હતા. ડૉક્ટરોએ વિચાર્યું કે પંતને રિકવરી કરવામાં બે વર્ષ લાગશે. પરંતુ એકવાર NCA આવ્યા પછી તે ઝડપથી સ્વસ્થ થઈ ગયો હતો.

જિમ્નેસ્ટિક્સ કરવાથી ફાયદો થયો મોટો ફાયદો
એનસીએના સ્ટ્રેન્થ અને કન્ડીશનીંગ કોચ નિશાંત બોરદોલોઈએ કહ્યું કે પંત બાળપણમાં જિમનાસ્ટ પણ હતો. જેથી તેને સાજા થવામાં વધુ વાર ના લાગી. તેમણે કહ્યું કે ઋષભના જિમ્નેસ્ટિક્સ બેકગ્રાઉન્ડે અમને ઘણી મદદ કરી. પંતનું આ બેકગ્રાઉન્ડ તેને ઘણી બાબતોમાં ખૂબ જ ઉપયોગી હતું. ઉદાહરણ તરીકે જ્યારે પંતને લાગ્યું કે તે આગળ ચાલી શકશે નહીં, ત્યારે તે ફરીથી તેના પગ પર ઊભા રહેવા માટે સક્ષમ થયો હતો. કારણકે જીમનાસ્ટિક્સમાં પોતાના પગ ઉપર બેલેન્સ જાળવવું તે મોટી ઉપલબ્ધી હોય છે.

પંતે પોતાના સ્વસ્થ થવા પર કહ્યુ…
પંતે પુનઃ વાપસી માટે કોઈ કસર છોડી ન હતી. પરંતુ તેને પ્રક્રિયા કંટાળાજનક લાગી. તેણે કહ્યું કે રિહેબ (ઈજા બાદ ફિટનેસ પાછી મેળવવાનો સમયગાળો) ઘણો કંટાળાજનક છે. એક જ વસ્તુ વારંવાર કરવી પણ તે કરવા સિવાય કોઈ વિકલ્પ નથી. તમે જેટલી વધુ કસરતો કરશો, તેટલું જલ્દી તમે સ્વસ્થ થશો. હું મેદાન ઉપર પરત આવીને ખૂબ જ ખુશ છું. ક્રિકેટ પ્રત્યે મારો પ્રેમ વધ્યો છે. પહેલા પણ હું ક્રિકેટના પ્રેમમાં હતો પરંતુ હવે મારો પ્રેમ વધી ગયો છે.

Most Popular

To Top