Dakshin Gujarat

અંકલેશ્વરના ખેડૂતોએ ફરી એક્સપ્રેસ હાઈવેનું કામ બંધ કરાવ્યું, જાણો શું છે મામલો?

ભરૂચ-અંકલેશ્વર: ભરૂચ (Bharuch) જિલ્લામાં એક્સપ્રેસ-વે (Express Way), બુલેટ ટ્રેન (Bullet Train) પ્રોજેક્ટ, ભાડભૂત બેરેજ યોજનાના નિર્માણમાં જમીન ગુમાવનાર ખેડૂતો (Farmers) લાંબા સમયથી વળતરને લઈ આંદોલનનું રણશિંગું ફૂકયું છે. શનિવારે અંકલેશ્વર તાલુકાના ખેડૂતો ફરી એકવાર આક્રમક વિરોધના મૂડમાં આવી ગયા હતા.અંકલેશ્વર તાલુકાના ખેડૂતોએ દીવા ગામ નજીકથી પસાર થતો એક્સપ્રેસ હાઈવે પર ચાલતા કામનો વિરોધ દર્શાવી કામને બંધ કરાવી દીધું હતું. જેમાં દીવા ગામ સહિત આસપાસના ગામની અસરગ્રસ્ત મહિલાઓ પણ રણચંડી બનીને જોડાઈ હતી.

હાલમાં જ વડોદરા-ભરૂચ વચ્ચેના એક્સપ્રેસ-વેને સરકાર દ્વારા શરૂ કરી દેવામાં આવ્યો છે. જેના સામે તાજેતરમાં જ જિલ્લાના ૩ તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા સરકાર સામે પ્રચંડ વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો, ત્યારે ફરી એકવાર અંકલેશ્વર તાલુકાના ખેડૂતોએ એક્સપ્રેસ હાઈવેનું કામ બંધ કરાવતા પોલીસ તંત્ર દોડતું થઇ ગયું હતું.

અંકલેશ્વર તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતોએ જણાવ્યુ હતું કે, દીવા ગામના ખેડૂતોને રૂ. ૮૫૨/-ની સહાય વળતરનો જિલ્લા કલેક્ટર દ્વારા ઓર્ડર કરવામાં આવ્યો છે. જેને આજદિન સુધી અસરગ્રસ્ત ખેડૂતોને વળતર મળ્યું નથી. બીજી તરફ, અસરગ્રસ્ત ખેડૂતોએ હાઇવે ઓથોરીટી દ્વારા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આ મામલે ચેલેન્જ કરવામાં આવી હતી.

હાઇવે ઓથોરીટી દ્વારા ખેડૂતોની વધારાની જમીનમાં પણ કામગીરી કરવામાં આવતી હોવાનો અસરગ્રસ્ત ખેડૂતોએ આક્ષેપ કર્યો છે. ઉપરાંત હાઇવે ઓથોરીટીના અધિકારીઓ દ્વારા ખેડૂતોને વારંવાર ધાકધમકી આપવામાં આવતી હોવાનો પણ ખેડૂતઆલમે આક્ષેપ કર્યો હતો.

ખેડૂત સમાજે આપી ચૂંટણી બહિષ્કારની ચીમકી
ખેડૂતોની માંગ પૂરી નહીં થાય તો આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ખેડૂત સમાજ દ્વારા ચીમકી ઉચ્ચારી દીધી છે. બનાવના પગલે અંકલેશ્વર A- ડિવિઝન પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ ખેડૂતોને સમજાવી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.આ મુદ્દે ખેડૂત સમાજના અગ્રણી પ્રજેશ પટેલની આગેવાનીમાં તમામ ખેડૂતો ભરૂચ જિલ્લા પોલીસ વડાની કચેરીએ રજૂઆત કરવા માટે પહોચ્યા હતા.

Most Popular

To Top