National

પાકિસ્તાનની વસતી કરતાં ડબલ તો ભારતમાં મહિલા મતદાર છે!

નવી દિલ્હી: વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારતમાં લગભગ દોઢ મહિના સુધી લોકશાહીના પર્વ ચૂંટણીનો ઉત્સવ ચાલશે. આખોય દેશ આ ઉત્સવમાં જોડાશે. દેશના 97 કરોડ લોકો મતદાન કરી આગામી પાંચ વર્ષ માટે નવી સરકારને ચૂંટશે, પરંતુ શું તમને ખબર છે કે ભારતમાં જેટલાં મતદારો છે, તેનાથી અનેકગણી ઓછી પાડોશી દેશોની વસતી છે.

જેની આતુરતાથી રાહ જોવાતી હતી તેનો આજે અંત આવ્યો છે. ચૂંટણી કમિશનર રાજીવ કુમારે ચૂંટણી શિડ્યુલ જાહેર કર્યું છે. દેશમાં 19 એપ્રિલથી 1 જુન દરમિયાન 7 તબક્કામાં મતદાન થશે. પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે યોજાશે, જેમાં 21 રાજ્યોની 102 બેઠકો પર મતદાન થશે, જ્યારે 26 એપ્રિલે બીજા તબક્કા હેઠળ 89 બેઠકો પર મતદાન થશે. તેવી જ રીતે ત્રીજા તબક્કામાં 7 મેના રોજ 12 રાજ્યોની 94 બેઠકો પર મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

ચોથા તબક્કામાં 13 મેના રોજ 96 બેઠકો પર, 20 મેના રોજ પાંચમાં તબક્કામાં 49 બેઠકો પર, છઠ્ઠા તબક્કામાં 25 મેના રોજ 57 બેઠકો પર જ્યારે સાતમા અને છેલ્લા તબક્કામાં 1 જૂને 57 બેઠકો પર મતદાન થશે. પરિણામ 4 જૂનના રોજ જાહેર કરવામાં આવશે.

ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે, આ વખતે દેશના 97 કરોડ મતદારો નવી સરકારને પસંદ કરવા માટે વોટિંગ કરશે. જેમાં 50 કરોડ પુરુષ અને 47 કરોડ મહિલા મતદારો છે. મતદાન મામલે દેશમાં મહિલા મતદારો પુરુષની બરોબરી પર પહોંચી ગઈ છે, પરંતુ સૌથી ખાસ વાત એ છે કે ભારત કદાચ દુનિયાની પહેલી લોકશાહી હશે જ્યાં લગભગ લગભગ 97 કરોડ લોકો મતદાન કરશે. આ સંખ્યા પાડોશી દેશ પાકિસ્તાનની વસ્તીની સરખામણીએ ચાર ગણી વધુ છે. નવાઈની વાત એ છે કે ભારતમાં જેટલી મહિલા મતદારો છે તેટલી તો પાકિસ્તાન સહિતના પાડોશી દેશની કુલ વસતી પણ નથી.

ભારતના પડોશી દેશોની વસતી કેટલી?
ગૂગલના ડેટા અનુસાર પાકિસ્તાનમાં 2024માં માત્ર 24.52 કરોડની વસતી છે. તેની સરખામણીએ ભારતમાં 97 કરોડ મતદારો છે, જેમાં મહિલા મતદારોની સંખ્યા જ 47 કરોડ છે. જે પાકિસ્તાનની વસતી કરતા બે ગણી છે. ભારતના કુલ મતદારોની સંખ્યા પાકિસ્તાનની કુલ વસતી કરતા ચાર ગણી છે. બાંગ્લાદેશની વાત કરીએ તો 2024માં બાંગ્લાદેશની વસતી 17.47 કરોડ, મ્યાનમાર 5.48 લાખ, અફઘાનિસ્તાનની વસતી 4.33 કરોડ, નેપાળ 3.12 કરોડ, ભૂતાનની વસતી 7.90 લાખ વસતી છે. એકમાત્ર ચીનની વસતી ભારતની બરોબર છે. ચીનની વસતી 142 કરોડ છે, પરંતુ ત્યાં લોકશાહી નથી.

આંકડામાં જાણો ચૂંટણી ઉત્સવની વિગતો

  • કેટલી બેઠક? 543
  • કેટલાં મતદાતા? 96.8 કરોડ
  • પહેલીવારના મતદાર: 1.82 કરોડ
  • પુરુષ મતદાર: 49.7 કરોડ
  • મહિલા મતદાર : 47 કરોડ
  • વિકલાંગ મતદાર : 88.4 લાખ
  • 100 વર્ષથી વધુ ઉંમરના મતદાર : 2.18 લાખ
  • ટ્રાન્સજેન્ડર મતદાર : 48 હજાર
  • મતદાન મથક કેટલાં: 10.5 લાખ
  • ઈવીએમ : 55 લાખ
  • મતદાન અધિકારીઓ: 1.5 કરોડ

Most Popular

To Top